Team VTV10:49 AM, 25 Jan 23
| Updated: 10:55 AM, 25 Jan 23
ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરે તેમની ધર્મપત્નીઓને GTUના ખર્ચે સાડીઓ અપાવી હોવાનો તાજેતરમાં જ જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળની અરજીમાં ખુલાસો થવા પામ્યો છે.
GTUના પૂર્વ VC અને રજિસ્ટ્રાર ફરી વિવાદમાં ફસાયા
યુનિવર્સિટીના ખર્ચે પત્નીને અપાવી સાડી
જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળની અરજીમાં ખુલાસો
GTUના પૂર્વ VC અને વર્તમાન રજિસ્ટ્રારનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે. તેમણે 2022ના પદવીદાનમાં GTUના પૈસે પોતાની પત્નીઓને સાડી અપાવી હોવાનો RTIમાં ખુલાસો થયો છે.
આટલા રૂપિયાની કોટી અને સાડીની કરાઈ હતી ખરીદી
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ડીન, ફેકલ્ટી સહિત પદાધિકારીઓને અલગ ઓળખ માટે ડ્રેસકોડ આપવામાં આવતો હોય છે. જેમાં મહિલાઓને સાડી તેમજ પુરુષોને કોટી કે કોટ આપવામાં આવતો હોય છે. ત્યારે ગત વર્ષ 2022ના ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના 11માં પદવીદાન સમારોહમાં દરેકને ડ્રેસકોડના ભાગરૂપે કોટી અને સાડી આપવામાં આવી હતી. જેમાં A,B,C એમ ત્રણ કેટેગરીમાં કોટી અને સાડી નક્કી કરવામાં આવી હતી. કુલ 3,07,676 રૂપિયાની કિંમતની પુરુષ કર્મચારીઓ માટે કોટીઓ ખરીદવામાં આવી હતી, જ્યારે કુલ 1,50,000 રૂપિયાની કિંમતની સાડીઓ મહિલા કર્મચારીઓ માટે ખરીદવામાં આવી હતી.
A,B,C એમ ત્રણ કેટેગરી કરાઈ હતી નક્કી
A કેટેગરીમાં બોર્ડ મેમ્બર, ડાયરેક્ટરનો સમાવેશ કરાયો હતો, તો B કેટેગરીમાં કાયમી અધિકારીઓ અને જેમનો પગાર 40 હજાર રૂપિયાથી ઉપર હોય તેવા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે C કેટેગરીના કર્મચારીઓને કોટી અને સાડી આપવામાં આવી હતી. આ ડ્રેસકોડ માત્ર પદવીદાન સમારંભમાં જોડાયેલા વ્યક્તિઓને આપવામાં આવતો હોય છે.
RTIમાં ખુલાસો થયો
તો આમાં કુલપતિ ડો. નવીન શેઠનાં ધર્મપત્ની જયશ્રીબેન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરનાં ધર્મપત્ની સમજુબેન ખેરને A કેટેગરીની સાડીઓ આપવામાં આવી હતી. જેનો માહિતી અધિકાર એક્ટ હેઠળની અરજી (RTI)માં ખુલાસો થયો છે. પૂર્વ કુલપતિ નવીન શેઠ અને વર્તમાન રજિસ્ટ્રારની પત્નીના સાડીના ઓર્ડરનો GTUનાં પરચેઝ ઓર્ડરમાં ઉલ્લેખ મળ્યો છે. GTU તરફથી કુલ 27 હજાર રૂપિયાની 10 સાડીની ખરીદી કરાઈ હતી. જેનું રૂપિયા 27,000નું બિલ જીટીયુના નામે રજૂ કરાયેલ છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાશે પદવીદાન સમારોહ
આપને જણાવી દઈએ કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતી 2જી ફેબ્રુઆરીના રોજ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજવા જઈ રહ્યો છે. જેમાં કુલ 48,881 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.