પાવાગઢમાં સદીઓ બાદ મંદિર પર શિખર તૈયાર કરવામાં આવ્યું છે અને PM મોદીના હસ્તે હવે ધજા ચડાવવામાં આવશે.
પ્રધાનમંત્રીના હસ્તે પાવાગઢમાં સદીઓ બાદ ઈતિહાસ થશે પુનર્જીવિત
સદીઓ બાદ માતાજીના મંદિર પર લહેરાશે ધજા
જાણો કેમ વર્ષોથી દેવીના મંદિર પર ન હતી ધજા અને શિખર?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ મંદિરમાં દર્શન અને પૂજન માટે જવાના છે, પણ આ જ દિવસે પાવાગઢના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય પણ જોડાવવા જઈ રહ્યો છે. સદીઓ બાદ માતાજીના મંદિરની ઉપર ધજા લહેરાવવામાં આવશે અને PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવશે.
નવનિર્મિત મંદિર:
સદીઓ બાદ માતાજીના મંદિરમાં ભવ્ય શિખર
પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી હતી નહીં. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે PM મોદી.
પાવાગઢ મંદિરની ઉપર બનાવવામાં આવેલ કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.
સોનાનો કળશ અને ધજાદંડ
નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે.
મંદિર પર કેમ ન હતી ધજા?
નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે.
દરગાહ વિવાદનો સુખદ અંત
પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે.
પાવાગઢમાં હજુ પણ કરાશે કરોડોના કામો
દુધિયા તળાવની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો
માતાજીના મંદિર સુધી પહોંચવા બનાવાશે 210 ફૂટની લિફ્ટ