પ્રદર્શન /
આંદોલન : જવાબી રણનીતિ પર મોદી સરકારની દોડધામ, બીજી બાજુ ખેડૂતોએ કહ્યું, હવે સરકાર નહીં માને તો...
Team VTV02:25 PM, 29 Dec 20
| Updated: 02:43 PM, 29 Dec 20
ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 7મા તબક્કાની વાતચીત આવતીકાલે 30 ડિસેમ્બરના રોજ નક્કી થઇ છે. આ વચ્ચે ખેડુતોનું પ્રદર્શન ચાલુ છે. પટનાથી લઇને દિલ્હી સુધી ખેડૂતો રોડ પર ઉતરી આવ્યાં છે અને નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ જોવા મળી રહ્યાં છે.
પટનામાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ
પટનામાં અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ અને લેફ્ટ પાર્ટીઓ તરફથી રાજભવન સુધી નિકાળવામાં આવેલા માર્ચને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. જો કે ત્યાર બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ જોવા મળી. જેને લઇને પોલીસે પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે.
શરદ પવારને મળ્યા ખેડૂતોના નેતા
NCP અધ્યક્ષ શરદ પવારને સંયુક્ત કિસાન મોરચાના મહારાષ્ટ્ર સાથે જોડાયેલા કિસાન નેતાઓએ મુલાકાત કરી છે. આ ખેડૂત નેતા સિંધુ બોર્ડર અને પલવલ પર પ્રદર્શનમાં સામેલ છે અને સરકારની સાથે વાતચીતમાં પણ ભાગ લઇ ચૂક્યાં છે. ખેડૂત નેતાઓના જણાવ્યાં મુજબ પવારે કિસાન નેતાઓને કહ્યું છે કે જો 30 તારીખે કોઇપણ સમાધાન નહી નીકળે તો તમામ વિપક્ષની પાર્ટીની સાથે બેઠક કરી ખેડૂતોના પક્ષમાં સાથે ઉભા રહીશું.
જવાબી રણનીતિને લઇને મોદી સરકારમાં દોડધામ
કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનને લઇને જવાબી રણનીતિ પર જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. 25 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી અને કૃષિ કાયદાઓ પર પોતાનું સમર્થન આપ્યું છે. મોદી સરકાર આ દ્વારા એ સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે નવા કાયદાઓ પર તેને દેશભરના ખેડૂતોનું સમર્થન પ્રાપ્ત છે અને કેટલાક રાજ્યોના ખેડૂત સંગઠન રાજકીય ઇશારા પર વિરોધ કરી રહ્યાં છે.
ખેડૂત આંદોલનનો આજે 34મો દિવસ
સરકારનો પ્રસ્તાવ મળવા પર ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદો પરત લેવા અને સ્વામીનાથન રિપોર્ટ પર જ ચર્ચા કરશે. ખરેખર 26 ડિસેમ્બરના રોજ ખેડૂતોએ સરકાર સામે 4 શરતો પર વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં પહેલી શરત એ હતી કે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની પ્રક્રિયા પર સૌ પહેલા વાતચીત થાય. પોતાની માગની સાથે ખેડૂતો 34માં દિવસે પણ દિલ્હીની બોર્ડર પર અડગ છે.