દિવાળીના પાવન પર્વ પર ભલે સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી સામાન્ય જનતાને ગિફ્ટ આપી હોય. પરંતુ ઉર્જા નિષ્ણાંતે દાવો કર્યો છે કે આગામી મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો થશે.
શું આગામી મહિનામાં ફરીથી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ?
ઉર્જા નિષ્ણાંતનો દાવો, ઓઈલના ભાવ કોઈ પણ સરકારના અંકુશમાં નથી
જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો ભાવમાં થઇ શકે છે વધારો
ઓઈલના ભાવ કોઈ પણ સરકારના અંકુશમાં નથી: ઉર્જા નિષ્ણાંત
ઉર્જા નિષ્ણાંતે ગુરૂવારે એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું, આ સમજવુ અત્યંત જરૂરી છે કે આપણે ક્રૂડ ઓઈલની આયાત કરીએ છીએ. આ એક આયાત વસ્તુ છે. આજે આપણે કુલ ક્રૂડ ઓઈલના ઉપયોગનું 86 ટકા ક્રૂડ આયાત કરવુ પડે છે. ઓઈલના ભાવ કોઈ પણ સરકારના હાથમાં નથી. પેટ્રોલ અને ડીઝલ બંને નિયંત્રણ મુક્ત વસ્તુ છે. જુલાઈ 2010માં મનમોહન સિંહની સરકારે પેટ્રોલને નિયંત્રણ મુક્ત કર્યુ હતુ અને 2014માં મોદી સરકારે ડીઝલને નિયંત્રણ મુક્ત કર્યુ.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ કોવિડ મહામારી
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ કોવિડ મહામારી છે. તેમણે કહ્યું, "જ્યારે પણ માંગ અને પુરવઠામાં અસંતુલન થાય છે ત્યારે ભાવમાં વધારો થવો નક્કી છે, આ અર્થશાસ્ત્રનો બેઝીક નિયમ છે. બીજુ મુખ્ય કારણ ઓઈલ ક્ષેત્રમાં રોકાણની કમી જવાબદાર છે. કારણકે સરકારે સૌર ઉર્જા જેવા રિન્યુએબલ અને ગ્રીન એનર્જી સેક્ટરને પ્રોત્સાહન આપ્યું છે. તેથી આગામી મહિનામાં ક્રૂડ ઓઈલ વધુ મોંઘુ થશે. 2023માં ક્રૂડ ઓઈલનો ભાવ 100 રૂપિયા સુધી વધી શકે છે."
ક્રૂડનું વેચાણ કોવિડની પહેલાની જેમ યથાવત
પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના કેન્દ્ર સરકારના પગલા અંગે પૂછ્યા બાદ ઉર્જા નિષ્ણાંતે કહ્યું, જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત ઘટે છે, તો સરકાર એક્સાઈઝ ડ્યુટી વધારી નાખે છે. જ્યારે ક્રૂડ ઓઈલ મોંઘુ થાય છે તો સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી નાખે છે. કોવિડ મહામારી વખતે ક્રૂડનો ઉપયોગ અને તેનું વેચાણ 40 ટકા ઘટી ગયુ હતુ. ત્યારબાદ આ 35 ટકા સુધી નીચે જતુ રહ્યું હતુ. જ્યારે વેચાણ ઘટી જશે તો સરકારની આવક આપોઆપ ઘટી જશે. પરંતુ હવે આ વેચાણ કોવિડ પહેલાના સમયની જેમ થઇ ગયુ છે.