બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / VTV વિશેષ / વિશ્વ / Eliud Kipchoge makes history in Vienna Marathon winning under 2 hours

VTV વિશેષ / કેપચોગીનો દોડમાં વિશ્વ વિક્રમ; દુનિયા ચકિત થઇ ગઈ! 42 કિમી આટલા સમયમાં દોડવું કેવી રીતે શક્ય છે?

Published By: Shalin

Last Updated: 08:41 PM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ PSI વગેરે પરીક્ષાઓમાં 25 મિનીટમાં 5 કિમી અંતર કાપવાનું હોય છે. અનેક ઉમેદવારો માટે આ અંતર ખુબ કપરું સાબિત થાય છે. હવે કલ્પના કરો કે 5 કિમીના બદલે આ અંતર 42 કિમી હોય તો? 25 મિનીટમાં 5 કિમી પ્રમાણે 42 કિમી અંતર માટે 3 કલાક 30 મિનીટ મળવા જોઈએ. હવે કલ્પના કરો કે આ અંતર કોઈ ૨ કલાકમાં કાપવાનું કહે તો? અશક્ય અને હાસ્યાસ્પદ લાગે તેવી આ વાતને કેન્યાને ઇલ્યુડ કેપચોગીએ પડકાર તરીકે સ્વીકારી અને 42.2 કિમીનું અંતર બે કલાકથી ઓછા સમયમાં દોડીને વિશ્વને અચંબામાં મૂકી દીધું! જાણો તેણે આ કેવી રીતે શક્ય બનાવ્યું?

કેન્યાના ઇલ્યુડ કેપચોગીએ ગઈ કાલે ખેલકૂદ જગતમાં ઇતિહાસ રચી દીધો. તેણે યુરોપના ઓસ્ટ્રિયા દેશના વિયેના શહેરમાં મેરેથોન દોડને ૨ કલાકથી ઓછા સમયમાં પૂરી કરી દીધી. 

શું છે કેપચોગીની સિદ્ધિ?

મેરેથોન દોડમાં 42.2 કિમીનું કપરું અંતર દોડીને કાપવાનું હોય છે. કેપચોગીએ આ અંતર 1 કલાક 59 મિનિટ અને 40 સેકન્ડમાં કાપીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું. આ માટે કેપચોગીએ 5.83 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પુરા 42.2 કિમીની દોટ લગાવી. 

વિયેના રેસમાં કેપચોગી (Source : Twitter)

આટલી ઝડપે 42.2 કિમી દોડવાનો વિક્રમ તોડવાનો વિશ્વમાં છેલ્લા 100 વર્ષથી પ્રયત્ન થઇ રહ્યો હતો પરંતુ કોઈ ખેલાડી આ વિક્રમ તોડી શકે તેમ નહોતો. ઘણા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન દોડવી અશક્ય છે પરંતુ કેપચોગીએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. 

સૌથી ઓછા સમયમાં મેરેથોન દોડવાનો વિક્રમ 2003માં પોલ ટેરગાએ સ્થાપિત કર્યો હતો. પોલે 2 કલાક 5 મિનિટમાં મેરેથોન પૂરી કરી હતી.પોલનું પણ એવું માનવું હતું કે 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન દોડવી એ અશક્ય કામ છે. 

એક વાર વિક્રમ સ્થાપિત થાય પછી વારંવાર તે તૂટે છે

આ પહેલા એવી માન્યતા હતી કે 4 મિનિટથી ઓછા સમયમાં 1 માઈલ દોડવું અશક્ય છે. જોન લેન્ડીએ સૌપ્રથમ 3 મિનિટ 58 સેકન્ડમાં 1 માઈલનું અંતર કાપ્યું. ત્યાર બાદ આજ સુધી આશરે 1400 લોકોએ આ સિદ્ધિ સ્થાપિત કરી છે. આશ્ચર્યજનક રીતે આ લોકોમાંથી 10 દોડવીરો તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હતા. અર્થાત એક વાર વિક્રમ સ્થાપિત થાય પછી વધુ સંખ્યામાં લોકો તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે 

કોણ છે ઇલ્યુડ કેપચોગી?

ઇલ્યુડ કેપચોગીએ દોડવીર તરીકે ટૂંકા અંતરની દોડથી શરૂઆત કરી હતી. તે ઓલિમ્પિક્સ 2004 અને 2008ના 5000 મીટરની રેસમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ વિજેતા હતો. ત્યાર બાદ સમય જતા તેણે પોતાની સ્ટાઇલ બદલીને મેરેથોન જેવા લાંબા અંતર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. 

ફાટેલા બુટ સાથે રેસ જીતી 

બર્લિન મેરેથોન 2015 વખતે અડધી મેરેથોન બાદ કેપચોગીના બુટના સોલ ફાટી ગયા. કેપચોગીએ ફાટેલા સોલ સાથે 20 માઈલ અંતર કાપ્યું અને રેસ જીતી લીધી! 

ઇલ્યુડ કેપચોગી કેવી રીતે પ્રેક્ટિસ કરતો?

કેપચોગી પ્રેક્ટિસ માટે માની ન શકાય એવા એવા અઠવાડિયાના સરેરાશ 225 કિમી જેટલું દોડતો હતો. આ અંતર અમદાવાદ થી રાજકોટ શહેર જેટલું છે! આમ તે અઠવાડિયાની 5 મેરેથોન જેટલું અંતર દોડતો હતો. 

કેન્યાના ધૂળિયા રસ્તાઓ ઉપર દોડી રહેલું કેપચોગીનું ગ્રુપ (Source : Youtube)

તે પોતાની ટીમ સાથે કેન્યાના પથરાળ અને ધૂળિયા રસ્તે દોડતો. તેણે દરિયાની સપાટીથી 2400 મીટરની ઉંચાઈ પર શરીરને દોડવા માટે ટેવ પાડી હતી. ઉલ્લેખનીય છે કે જયારે શરીર આ ઉંચાઈએ ઓછા ઓક્સિજનના સ્તરે પણ દોડવા માટે ટેવાઈ જાય ત્યારે તેના માટે વિયેના શહેરમાં સારા ટ્રેક પર, સારી આબોહવામાં દોડવું સહેલું બની જાય.   

વિયેનાની દોડ

વિયેનાની દોડમાં કેપચોગીની આસપાસ પેસ રનર્સ એની સાથોસાથ દોડતા હતા. આ રનર્સ કેપચોગીને તેની નિર્ધારિત ગતિથી ચલિત થયા વગર સતત દોડવાનું જાળવી રાખી શકવામાં મદદરૂપ થાય તે માટે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેપચોગીની આસપાસ દોડવાથી તેને હવાનું ઘર્ષણ બળ પણ ઓછું લાગે. દર થોડા અંતરે પેસ રનર્સ બદલવામાં આવતા હતા. 

કેપચોગીની સાથે દોડી રહેલા પેસ રનર્સ (Source : Youtube)

આ ઉપરાંત એક ઇલેક્ટ્રિક કાર વડે કેપચોગીના રનિંગ ટ્રેક ઉપર લેઝર લાઈટ ફેરવવામાં આવી રહી હતી. આ લેઝર લાઈટ જે દિશામાં અને જે ગતિમાં જઇ રહી હોય, કેપચોગીએ એ જ ગતિ જાળવી રાખવાની હતી.

લેઝર લાઈટને અનુસરી રહેલા રનર્સ (Source : Youtube)

વિયેનાના પ્રેટર પાર્કમાં યોજાયેલ આ દોડનો પટ્ટો અતિશય લાંબો છે. તેમાં કોઈ વળાંક નથી અને તે એકદમ સમતલ છે. 

કેપચોગીએ પીધેલા પાણીની પણ ગણતરી કરાઈ હતી 

દોડ દરમિયાન કેપચોગીને થોડું થોડું પાણી આપવામાં આવતું. આ પાણી પણ કેટલા પ્રમાણમાં પીવાયું તેની ગણતરી કરવામાં આવતી હતી જેથી તેના શરીરમાં પાણીની અછતના કારણે તેનું પ્રદર્શન ન બગડે.

કેપચોગી કેવી રીતે દોડ્યો?

કેપચોગી દોડની શરૂઆત જ ખુબ આત્મ વિશ્વાસ સાથે કરી હતી. તે નક્કી કરેલી ઝડપે કોઈ જ પ્રકારની સમસ્યા વગર સતત દોડી રહ્યો હતો. તેણે અડધું અંતર 1 કલાકથી ઓછા સમયમાં કાપી લીધું હતું. છેલ્લા એક માઈલના અંતરમાં કેપચોગીના પેસ રનર્સે તેને એકલો મૂકી દીધો. કેપચોગીએ છેલ્લા માઈલમાં ફિનિશિંગ લાઈન તરફ સ્પ્રિન્ટ એટલે કે ખુબ ઝડપી દોટ મૂકી હતી. તેણે જેવી ફિનિશિંગ લાઈન પાર કરી એમ તરત જ દર્શકોએ તાળીઓ અને ચિચિયારીઓ સાથે તેના વિક્રમને વધાવી લીધો.

શું આ વિક્રમ પણ તૂટી શકે છે?

કેપચોગીના પ્રદર્શનથી વૈજ્ઞાનિકોમાં ચર્ચા શરુ થઇ છે કે શું આ સમયથી પણ ઓછા સમયમાં મેરેથોન દોડવી શક્ય છે? આ સવાલનો જવાબ અત્યારે આપવો શક્ય નથી પણ કેપચોગીની સિદ્ધિ બેશક કાબિલે તારીફ છે

આલેખન : શાલીન ખત્રી, અમદાવાદ

 

સંકળાયેલા મુદ્દાઓ

Eliud Kipchoge marathon race world record VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ