drop in salt production could lead to rise in price
સંભાવના /
મોંઘવારી બગાડશે ભોજનનો સ્વાદ, કિચનની સૌથી જરૂરી વસ્તુના ભાવમાં થશે વધારો
Team VTV02:45 PM, 13 May 22
| Updated: 02:48 PM, 13 May 22
મીઠાના ઉત્પાદનમાં થઇ શકે છે 30 ટકાનો ઘટાડો, ગુજરાતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન, જો ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તો મીઠાના ભાવમાં થઇ શકે છે વધારો
મોંઘવારીથી ત્રાહિમામ જનતાને વધુ એક મુશ્કેલી
મીઠાના ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે
પરિણામે મીઠાના ભાવ વધવાની આશંકા
એક તો પહેલેથી જ મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. દિવસ જાય તેમ દરેક ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા જીવન જરુરિયાતની દરેક ચીજ વસ્તુઓ મોંઘી બની છે. દૂધ, કઠોળ, અનાજ, તેલ, મરી મસાલા સહિતની ખાદ્ય સામગ્રીઓ મોંઘી બની છે. ત્યારે જેના વિના 56 ભોગ પણ ફિક્કા લાગે તેવી ખાસ વસ્તુના ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા છે.
મીઠાના ઉત્પાદનમાં 30ટકાનો ઘટાડો
દિવસ જાય તેમ ગરીબોની થાળીમાંથી ભોજન ગાયબ થઇ રહ્યુ છે ત્યારે હવે મીઠાને પણ કોઇ ખરાબ નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આવનારા દિવસોમાં મીઠાના ભાવમાં વધારો થઇ શકે તેવી આશંકા છે. કારણ કે મીઠાનું ઉત્પાદન 30 ટકા ઘટી શકે છે. ખરેખરમાં વાત એવી છે કે ગુજરાતમાં પાક લેવાનો સમય મોડો શરુ થયો હોવાથી મીઠાના ઉત્પાદન પર અસર પડી શકે છેય તેથી જો મીઠાનું ઉત્પાદન ઘટ્યુ તો ભાવ વધતા જોવા મળી શકે છે.
વરસાદ પર હવે તો આધાર
સામાન્ય રીતે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન માર્ચ મહિનાથી શરૂ થાય છે. પરંતુ ચોમાસુ લાંબુ ખેંચાતા તટીય વિસ્તારોમાં એપ્રિલના મધ્યમાં ઉત્પાદન શરુ થયું. જાણકારોનું કહેવુ છે કે જો ચોમાસુ જૂનના મધ્ય પહેલા શરુ થાય તો ઉત્પાદનમાં કાપ મૂકાશે. ગત વર્ષે રાજ્યમાં ઓક્ટોબરના પહેલા સપ્તાહ સુધી વરસાદ થયો ગચો. પરિણામે ખેડૂતો પાસે ઉત્પાદનનો સમય ઓછો રહે છે.
ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન
સામાન્ય રીતે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન ઓગસ્ટથી શરૂ થાય છે. ઓછા ઉત્પાદનની સ્થિતિમાં કેન્દ્ર સરકાર મીઠાની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. હવે મીઠાના ઉત્પાદન વિશે વાત કરીએ તો ભારત દર વર્ષે સરેરાશ ૩૦ મિલિયન ટન મીઠાનું ઉત્પાદન કરે છે. અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વમાં મીઠાના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે. દેશ વિશ્વના 55 દેશોમાં નિકાસ કરે છે. દેશમાં મીઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 90% જેટલો છે.
અન્ય ઉદ્યોગોને પણ થશે અસર
ભારતના કુલ મીઠાના ઉત્પાદનમાંથી લગભગ 10 મિલિયન ટનની નિકાસ કરે છે. ઉદ્યોગો 1 કરોડ 25 લાખ ટનનો વપરાશ કરે છે. બાકીનો ઉપયોગ છૂટક ગ્રાહકો કરે છે. મીઠાના ઉત્પાદનમાં ઘટાડાથી કાચ, પોલિએસ્ટર, પ્લાસ્ટિક, કેમિકલ અને અન્ય મહત્વપૂર્ણ ઉદ્યોગોને અસર થશે.
મીઠાનો શું છે ઇતિહાસ
હવે મીઠાનો ઈતિહાસ વિશે વાત કરીએ તો આઝાદી પહેલાં ભારતની મીઠાની જરૂરિયાત હિમાચલ પ્રદેશમાં આવેલી મીઠાની ખાણોમાંથી ખનન કરાયેલા ખડક મીઠા દ્વારા પૂરી કરવામાં આવતી હતી. આ કારણે, બ્રિટિશ સરકારે મીઠાને ખાણ ઉત્પાદન તરીકે નિર્ધારિત કર્યું. હાલમાં, લગભગ 90% ક્રૂડ મીઠું સૌર બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં મીઠાનું મોટા પાયે ઉત્પાદન થાય છે અને આ ક્ષેત્રમાં ઘણા લોકોને રોજગારી મળી છે. ઉત્પાદનમાં ઘટાડાથી તેના વ્યવસાય પર અસર જોવા મળી રહી છે.