શહેરમાં ગટરની સફાઇ કરતા કામદારોના મોતની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પણ આંખ આડા કાન કરી રહેલા તંત્રને ન તો ગરીબ કામદારનો જીવ વહાલો છે ન પરિવારની ચિંતા. આજે વધુ ત્રણ શ્રમિકોના ગટરમાં ડૂબાવાથી મોતને ભેટયા છે. અમદાવાદમાં ડ્રેનેજ લાઈનમાં કામગીરી કરતા 3 કામદારો ગટર સફાઇ કરવા ગટરમાં ઉતરતા જીવ ખોવાનો વારો આવ્યો છે.
બંધ ગટરમાં કઈ રીતે બની ઘટના?
અમદાવાદના બોપલ શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનમાં કામ ચાલતું હતુ તે દરમિયાન 3 શ્રમિકોના મૃત્યુ થયા છે. ડ્રેનેજ લાઈન એટલે કે ગટરની સફાઇ કરવા આ શ્રમિકો ગટરમાં ઉતાર્યા હતા જે બાદ ડૂબી જવાથી કામદારોના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. યોગી કન્સ્ટ્રકશન નામની કંપની ગટર લાઈનનું કામ કરે છે જેનો માલિક સંકેત પટેલ છે પણ યોગી કન્સ્ટ્રકશને એક પેટા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું હતું પણ એક મજૂર ગટરનું કામ કરતા અંદર બેભાન થયો હતો જે બાદ એકને બચાવવા જતા બીજા બે મજૂર ઉતર્યા અને ત્રણેયના મૃત્યુ થયા હતા. મહત્વનું છે કે બોપલ-શિલજની આ ગટરલાઈન ચાલુ જ નથી થઈ અને હજુ તો ગટરના કનેકશન પણ કેટલીક સોસાયટીઓમાં આપવાના બાકી છેઆસપાસના લોકોને જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા છે.
ફાયર બ્રિગેડે હાથ ધરી રેસ્ક્યૂ કામગીરી
આસપાસના લોકો દ્વારા પોલીસ અને ફાયર ટીમને જાણ કરતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં આસપાસની જગ્યાને કોર્ડન કરી ગટરમાં સફાઇ કામ માટે કરવા ગયેલા શ્રમિકોને બહાર કાઢવા રેકસયુની કામગીરી હાથ હતી.
VTV ગુજરાતીના સળગતા સવાલ
ગટરમાં પડવાથી ગરીબ મજૂરના મોત ક્યાં સુધી ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માણસના જીવની કિંમત ક્યારે સમજશે ?
વારંવાર મજૂરના મોત શા માટે થઇ રહ્યા છે ?
કોર્પોરેશનના ગરીબ મજૂરના જાનની કોઇ કિંમત જ નથી ?
વારંવાર ઘટના પછી પણ કોર્પોરેશન કેમ સુધરતું નથી ?
ગરીબ અને પૈસાવાળા માટે અમદાવાદ કોર્પો. ધોરણ કેમ અલગ અલગ ?
હાઇકોર્ટ અને સુપ્રિમના આદેશ પછી મજૂરને ગટરમાં કેમ ઉતારવામાં આવે છે ?
જો કોન્ટ્રાક્ટરે ગેરકાયદેસર ઉતાર્યા હોય તો તેની સામે કેમ એકશન નહીં ?
કન્ટ્રોકટરો વારંવાર કેમ ભુલ કરે તો એકશન કેમ નથી લેતા ?
ડ્રેનેજ માટે કરોડોનું બજેટ પણ આધુનિકતા પાછળ શુન્ય ખર્ચ ?
અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી માનવ જિંદગી હોમાઇ રહી છે?