Corona case and Omicron case in Gujarat 30 December 2021
BIG BREAKING /
ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડી, આજે 573 કેસ, કુલ એક્ટિવ કેસ 2000ને પાર, ત્રણ શહેરોમાં ચિંતા
Team VTV07:27 PM, 30 Dec 21
| Updated: 08:14 PM, 30 Dec 21
ગુજરાતમાં એકાએક કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે, આજે વધુ 573 કેસ સામે આવતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 2371 સુધી પહોંચી ગઈ છે
આજે કોરોનાના 573 કેસ નોંધાયા
રાજ્યમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ નહી
રાજ્યમાં અત્યાર સુધીમાંઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 571 કેસ સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે, એક્ટિવ કેસની સંખ્યા 2371 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ આવતા તંત્ર સાબદું બન્યું છે. રાહતના સમાચાર એ છે કે આજે કોઈ પણ કેસ ઑમિક્રૉનનો નોંધાયો નથી. આજે કોરોનાને માત આપીને 102 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે કોરોનાગ્રસ્ત 11 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.50 ટકા રહ્યો છે. જ્યારે રાજ્યભરમાં આજે 2.32 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
3 શહેરમાં ચિંતાજનક કેસમાં વધારો
અમદાવાદ શહેરમાં 269 અને ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 74 અને ગ્રામ્યમાં 4 કેસ, વડોદરા શહેરમાં 41 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. ત્યારે આ ત્રણેય જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
ઓમિક્રોનનો એકપણ કેસ નહી
રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા છે પણ છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ સામે નહી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાજ્યમાં 53 ઓમિક્રોન એક્ટિવ કેસ છે જ્યારે કુલ 44 દર્દીઓ ઓમિક્રોનના ભરડામાંથી મુક્ત થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે.ઓમિક્રોનના અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે
વડોદરામાં કુલ 21 કેસ બહાર આવ્યા છે.
રાજકોટ અને અરવલ્લી જિલ્લામાં એક-એક દર્દીનું મૃત્યુ
અમદાવાદ 278 કેસ, સુરતમાં 78 કેસ નોંધાયા
વડોદરા 50 કેસ, રાજકોટમાં 28 કેસ, ગાંધીનગરમાં 19 કેસ
સાબરકાંઠામાં 2 કેસ, દેવભૂમિ દ્વારકામાં એક કેસ નોંધાયો
ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક-એક કેસ
ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ 90 લાખ લોકો રસીકરણ વગરના છે જેથી હવે વેકસીનેશન પર વધુ ભાર આપી મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાં જતાં પહેલા વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત છે. 31 ડિસેમ્બરે જે કોરોના ગાઈડલાઇન પૂર્ણ થતી હતી તે હવે 7 જાન્યુઆરી સુધી લંબાઈ દેવામાં આવી છે તેવી જાહેરાત પણ થઇ ચૂકી છે.વાયબ્રન્ટ સમિટ મુદ્દે આરોગ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાશે. વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દેશ બહારથી આવતા મહેમાનો માટે રસીકરણ અને RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. તો RT-PCR ટેસ્ટ બાદ જ કામ કરતા તમામ કર્મીઓને વાયબ્રન્ટમાં જવાબદારી સોંપાઇ છે. તમામ નિયમોની જાળવણી સાથે વાયબ્રન્ટ સમિટ યોજાશે.
કોરોના વકરતા હવે મુખ્યમંત્રીએ મોરચો સંભાળ્યો
ગુજરાતમાં સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોજ કોર કમિટીની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં કોરોના કંટ્રોલની કામગીરીની રોજ રૂપરેખા તૈયાર થશે તેમજ જિલ્લાને આપેલ આદેશ પ્રમાણે થઈ રહેલા કામોનું સીએમ પટેલ ખુદ નિરીક્ષણ કરશે.સોમ, મંગળ, બુધ મુખ્યમંત્રી કાર્યાલયમાં કોર કમિટીની બેઠક મળશે જ્યારે ગુરુ, શુક્ર, શનિ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન થશે. કોર કમિટીની બેઠકમાં પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેવા મંત્રીઓ તો મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને અધિક મુખ્ય સચિવ રાજકુમાર જેવા મોટા અધિકારી હાજર રહેશે.
આજે ક્યાં ક્યાં કોરોના નિયમોના ધજાગરા ઊડ્યા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. અને રાજ્યમાં કોરાનાના 500 થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે હવે નિયમોનું પાલન થશે નહીં અને મેળાવડા અટકશે નહીં તો ભારે જોખમ ઉભું થઇ શકે તેમ છે. હમણાં આવી સ્થિતિ વચ્ચે વલસાડમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. વલસાડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ એકઠી થઇ હતી. અને વિદ્યાર્થીઓ ઉજવણી કરતા જોવા મળ્યા હતાં. જેમાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓ કોરોના ગાઇડલાઇનના ઘજાગરા ઉડાડતા જોવા મળ્યા હતાં. કોલેજમાં ફેશર્સ પાર્ટી અને ગરબા લેતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતાં. ABVPએ આ આયોજન રાખ્યું હતું. જેમાં 1500થી વધુ કોલેજિયન પાર્ટીમાં એકઠા થયા હતાં. તો આ તરફ રાજ્યમાં જોઇએ તો કોરોનાની રફ્તાર બમણી થઇ છે. અને ત્રીજી લહેરનું સંકટ ઉભુ થયું છે. ત્યારે આ પ્રકાર વિદ્યાર્થીઓને ખુલ્લે આમ પરવાનગીએ સવાલો ઉભા કર્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. ત્યારે સ્વબચાવ જ સાવધાની છે. આ પ્રકારે ખુલ્લેઆમ કોરોનાને આમંત્રણ આપવા સમાન છે. તેમજ આ પ્રકારની ઉજવણી કેટલી યોગ્ય તેવા સવાલો થઇ રહ્યાં છે. અને બેદરકારી ભારી પડી શકે છે.