controversial statement of BJP MP Mansukh Vasava on Gujarat education
ચર્ચાસ્પદ /
કેટલીક સંસ્થાઓ માત્ર ગ્રાન્ટ લેવા જ ખોલવામાં આવે છે, ફરી ગુજરાતના શિક્ષણ પર ભાજપ સાંસદનું સ્ફોટક નિવેદન
Team VTV04:09 PM, 02 Jun 22
| Updated: 06:25 PM, 02 Jun 22
ભાજપ સાસંદ અને આદિવાસી નેતા મનસુખ વસાવાનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું જેમાં ફરી વખત તેમણે ગુજરાતના શિક્ષણની આડકતરી રીતે ઝાટકણી કાઢી છે
સાસંદ મનસુખ વસાવાનું વેધક નિવેદન
" કેટલીક સંસ્થાઓ ગ્રાન્ટ લેવા પુરતી જ છે "
" રાજ્યનું શિક્ષણ કથળી રહ્યું છે "
હંમેશા પોતાના પક્ષ વિરોધી નિવેદનોથી વિવાદોમાં રહેતા મનસુખ વાસવાએ ગુજરાતના શિક્ષણને લઈ નિવેદન આપ્યું હતું જેમાં શિક્ષણનું નીચું સ્તર હોવાની વાત કબૂલી હતી.આજે ફરી શૈક્ષણિક સંસ્થાઓ મનસુખ વસાવાના ટાર્ગેટ પર હતી. તેઓએ સ્ફોટક નિવેદન આપતા કહ્યું છે કે કેટલીક સંસ્થાઓ માત્ર ગ્રાન્ટ લેવા જ ખોલવામાં આવે છે તો કેટલીક સંસ્થાઓ અંદરો અંદર લડવામાં ઉંચી આવતી નથી. આવી સંસ્થાઓને કારણે શિક્ષણ કથળી રહ્યું છે. આટલી સુવિધા છતાં IAS-IPS ઓછા લોકો બને છે. વાલીઓ, સ્કૂલ સંચાલકો અને શિક્ષકો જવાબદારી લેશે તો શિક્ષણ સુધરશે તેવુ સૂચન પણ મનસુખ વસાવાએ આપ્યું હતું.
આ પહેલા પણ શિક્ષણને લઈ ઉઠાવ્યા સવાલ
એક તરફ ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. જેમાં સૌથી વધુ વિપક્ષ શિક્ષણને લઈ ભાજપ સરકારને ઘેરી રહ્યું છે. સ્માર્ટ શાળાથી માંડી ઓરડા સુધી વિપક્ષ ત્યાં જઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ખામીઑ કાઢી રહ્યું છે. તેમાંય ભાજપના સાંસદે જ સરકારેને શિક્ષણ મુદ્દે ઘેરી હતી. 30 મેના રોજ નર્મદાના રાજપીપળામાં બાળકો માટે કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણના સ્તર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે. નર્મદાની સાથે સમગ્ર ગુજરાતના શિક્ષણનું સ્તર પણ નીચું છે. જેના પૂરાવા પણ મારી પાસે છે.
મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં એક ટકા પણ ગુજરાતી નહીં: મનસુખ વસાવા
જે બાદ વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ગણ્યા-ગાંઠ્યા લોકો જ IPS અને AIS અધિકારીઓ બને છે. અત્યારે ગુજરાતમાં જેટલા પણ IPS અને AIS અધિકારીઓ છે, તે તમામ પ્રમોશનથી બન્યા છે. ગુજરાતની બેન્કોમાં મેનેજર પણ અન્ય રાજ્યના જોવા મળે છે. સાથે ગુજરાતના મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં પણ બહારના રાજ્યો વધુ જોવા મળે છે. જેનો સર્વે મેં ખૂદ કર્યો છે.રેલવેની ભરતીમાં ગુજરાતના ગણ્યા-ગાંઠ્યા લોકો જ આવે છે.ONGCની પરીક્ષામાં પણ અન્ય રાજ્યના લોકોની પસંદગી થાય છે. મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં એક ટકા પણ ગુજરાતી નહીં એમાંય કિ-પોસ્ટના અધિકારીઓનો પગાર કલેક્ટર કરતા પણ ઉંચા હોય છે.
ભરતીમાં સ્થાનિકોને મહત્વ અપાવાનો મુદ્દો પણ મનસુખ વસાવાએ ઉછાળ્યો હતો
આ અગાઉ 24 એપ્રિલના રોજ પણ મનસુખ વસાવા ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિ અને સ્થાનિક ઉમેદવારોને લઈ નિવેદન આપ્યું હતું કે ઘણી એવી ભરતીઓ છે જેમાં સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવાંની ભરતી કરવામાં આવે છે. ખોટી રીતે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી રદ કરવાની મનસુખ વસાવાએ માંગ કરી હતી. તાજેતરમાં જ 660 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, 660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો અને 85 ટકા જેટલાં ઉમેદવારો અન્ય રાજ્યોના એટલે કે તેઓ સ્થાનિક નથી. ભરતી પ્રક્રિયામાં અન્ય રાજ્યોના ઉમેદવાર હોવાનો મનસુખ વસાવા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.