CM Bhupendra Patel to visit Dadiapada tomorrow, Ingration development works for tribal society
મુલાકાત /
ગુજરાતના આદિવાસીઓને મળશે મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડામાં કરશે આ વિકાસકાર્યોના લોકાર્પણ
Team VTV03:48 PM, 25 May 22
| Updated: 03:53 PM, 25 May 22
કલસ્ટર ડેવલપમેન્ટ માટે રૂ. ૩ કરોડના લાભવિતરણ- વનબંધુઓને માલિકી લાભ વિતરણ તથા વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે આદિજાતિ વિસ્તાર ડેડીયાપાડાની મુલાકાતે
વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ કરશે
બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’ પુસ્તક વિમોચન થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા.ર૬મી મે એ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કરશે. ડેડીયાપાડા ખાતે ગુરુવારે સવારે ૧૦ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં વનમંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થવાના છે
આદિવાસીઓને ગુજરાત સરકારની ભેટ
રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજવસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો નૂતન પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડા, નેત્રંગ, વધઇ અને કેવડી માં કુલ રૂ. બે કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર કૌશલ્ય વર્ધન કેન્દ્રના લોકાર્પણ કરશે. ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડાના આ વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાની સ્થાનિક માતા-બહેનો દ્વારા સંચાલિત સાતપૂડા વન ભોજનાલય પણ ખુલ્લા મુકવાના છે.
શું છે સમગ્ર કાર્યક્રમ?
મુખ્યમંત્રીવન વિસ્તારોમાં કલસ્ટર ડેવલપમેન્ટ માટે ૩ કરોડ રૂપિયાના લાભ-સહાય, ઇકો ડેવલપમેન્ટ અને ઇકો ટુરિઝમના લાભ, વનબંધુઓને માલિકી લાભોનું વિતરણ કરવા સાથે વનબંધુ વિસ્તારોમાં વાંસ આધારિત પ્રવૃત્તિઓ કરતા વનવાસીઓને પુરસ્કાર એનાયત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો, વન વિકાસની સારી કામગીરી કરતી મંડળીઓને પણ પ્રશસ્તિપત્ર અર્પણ કરશે તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતી સભર પુસ્તિકા ‘‘બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’’નું વિમોચન કરવાના છે. આદિજાતિ સમૂહોના સર્વાંગી ઉત્કર્ષની ભાવનાથી આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા યોજાઇ રહ્યો છે.