ઇકો સેલે બિલ્ડર અને બેંન્ક મેનેજર સહિત 6ની કરી ધરપકડ
વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા સહિત 12 સામે ગુનો દાખલ
સુરતમાં બિલ્ડર દ્વારા એક જ ફ્લેટ પર જુદી-જુદી 3 બેંકમાંથી લોન લીધાનું કૌભાંડ સામે આવ્યું. બિલ્ડર દ્વારા 33 કરોડ રૂપિયાની લોન લેવાનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. ઇકો સેલે બિલ્ડર અને બેંક મેનેજર સહિત 6ની ધરપકડ કરી છે.
અશ્વિન વિરડીયાએ દેવ પ્રયાગ રેસિડન્સીના નામે કૌભાંડ કર્યું
વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા સહિત 12 સામે ગુનો દાખલ કરાયો છે. અશ્વિન વિરડીયાએ દેવ પ્રયાગ રેસિડન્સીના નામે કૌભાંડ કર્યું છે. એક જ ફ્લેટ પર જુદા-જુદા ત્રણ વ્યક્તિઓના નામે વેચાણ બતાવ્યું. અશ્વિન વિરડીયા, રીટા વિરડીયા અને અસ્મિતા વિરડીયાની ધરપકડ કરાઇ. રાજેશ દેવાણી, વિપુલ દેવાણી અને બેંક મેનેજર જલંધરનાથ જાદવની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં જણાવી દઇએ કે, સિંગણપોરમાં શ્રીજી કોર્પોરેશને દેવ પ્રયાગ રેસિડન્સી સોસાયટી બનાવી હતી. જેના 6 ભાગીદારો પૈકી અશ્વિન વિરડીયા (પટેલ) ને દેવ પ્રયાગ રેસિડન્સીની બિલ્ડિંગ નં-એ-1ની પાવર ઓફ એર્ટની આપી હતી. વર્ષ 2012માં બિલ્ડરે પાવરના આધારે ફલેટ મહેશ ત્રિવેદીને વેચાણ કર્યો હતો. બાદમાં બિલ્ડરે તે ફલેટ બીજી વખત તેની ભાભી અસ્મિતાને વેચાણ કર્યો હતો.
3 બેંકોમાંથી બિલ્ડરે તેના પરિવાર, વેલ્યુઅર અને બેંક મેનેજર સાથે મળીને કૌભાંડ આચર્યું
બિલ્ડરે ત્રીજીવાર આ ફલેટ રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચાણ કર્યો હતો. તે જ ફલેટ બિલ્ડરે વર્ષ 2016માં મહેશ ત્રિવેદી પાસેથી ખરીદ્યો હતો. બિલ્ડરે વેચાણ કરેલા ફલેટ અને અન્ય મિલકતો મોર્ગેજ મૂકી ખરીદનાર અને 14 લોકોએ આસ્થા એન્ટરપ્રાઇઝના નામે બેંકમાંથી 10 કરોડની લોન લીધી હતી. બિલ્ડરે તે જ મિલકતો પર નાસિક મર્ચન્ટ બેંકમાંથી 23 કરોડની લોન લીધી હતી. બિલ્ડરે રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચેલા ફલેટ પર બંનેના નામે 25 લાખની લોન અપાવી હતી. 3 બેંકોમાંથી બિલ્ડરે તેના પરિવાર, વેલ્યુઅર અને બેંક મેનેજર સાથે મળીને રૂપિયા 33 કરોડનું લોન કૌભાંડ આચર્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતા વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા સહિત 12 સામે ગુનો દાખલ કરાયો છે.