Biggest news for devotees visiting Pavagadh Darshan
પ્રોજેક્ટનો પ્રારંભ /
40 સેકન્ડમાં જ મહાકાળી માતાજીના કરી શકાશે દર્શન, પાવગઢમાં છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાતમુહૂર્ત
Team VTV09:35 AM, 19 Jan 23
| Updated: 09:37 AM, 19 Jan 23
પાવાગઢ દર્શને આવતા ભક્તો માટે સૌથી મોટા સમાચાર, જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું કરાયું ખાતમુહૂર્ત.
પાવાગઢ દર્શને આવતા ભક્તો માટે સૌથી મોટા સમાચાર
સીધા નિજ મંદિર પહોંચવા માટે બનશે 2 લિફ્ટ
છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું કરાયું ખાતમુહૂર્ત
શક્તિપીઠ પાવાગઢ જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે નિજ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને હવે ભક્તો માત્ર 40 સેકન્ડમાં જ મહાકાળી માના દર્શન કરી શકશે. સરકારની મંજૂરી બાદ 'યાત્રાધામ વિકાસ બોર્ડ' દ્વારા આ લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ લિફ્ટ બનાવવા માટે અમદાવાદની ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે.
નિજ મંદિર પહોંચવા માટે નહીં ચઢવા પડે પગથિયા
પાવાગઢ ખાતે લિફ્ટની સુવિધા શરૂ થતાં નિજ મંદિર સુધી પહોંચવા માટે પગથિયાં ચઢવા નહીં પડે. 70 મીટરની ઊંચાઈ ધરાવતી હાઇસ્પીડ લિફ્ટમાં 20 વ્યક્તિની કેપેસિટી રહેશે. સાથે જ દર્શને આવતા દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને પણ મોટી રાહત થશે.
લિફ્ટની સાથે-સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ કરાશે. એ માટે 130 કરોડનો પ્રોજેક્ટ શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. પાવાગઢ ગબ્બરની બાજુના પર્વતને 210 ફૂટ સુધી ખોદીને લિફ્ટ બનાવાશે. જણાવી દઇએ કે, પાવાગઢમાં ગબ્બર ડુંગર પર કપરા ચઢાણના લીધે અનેક ભક્તોને માતાજીનાં દર્શન કરવામાં થોડી મુશ્કેલી આવતી હોય છે. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ ગબ્બર પર લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકાશે.
ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે
પૂર્ણેશ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે, 'પાવાગઢ મહાકાળી મંદિરની સમગ્ર કાયાપલટ કરી નવો નજારો તૈયાર કરવામાં આવશે. ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે. જ્યાં મંદિર છે ત્યાં એની બાજુમાં 210 ફૂટનો ડુંગર છે. એ ડુંગરને કાપીને તેમાં ખોદકામ કરીને લિફ્ટ બનાવવાનું આયોજન છે. લિફટમાંથી ભક્તો સીધા જ મંદિરે પહોંચે એવી વ્યવસ્થા પણ કરાઇ છે. હાલ પાવાગઢ મંદિર ખાતે 350 પગથિયાં સુધી જ રોપ વે કાર્યરત છે. ત્યારે ફેઝ-૩નું કાર્ય કરીને મંદિર સુધી રોપ વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.'