Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વર્લ્ડ કપ / ઇતિહાસના પાનેથીઃ 1983માં કપિલના તાલે ભારતીયો ઝૂમી ઊઠ્યા

ઇતિહાસના પાનેથીઃ 1983માં કપિલના તાલે ભારતીયો ઝૂમી ઊઠ્યા

૧૯૮૩માં કપિલદેવના નેતૃત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમવા ગઈ ત્યારે તેની કોશિશ ફક્ત ગ્રૂપ સ્ટેજમાં સારું પ્રદર્શન કરવાની હતી. કોઈએ નહોતું વિચાર્યું કે કપિલની આ ટીમ વિન્ડીઝને હરાવીને ખિતાબ પણ જીતી લેશે.

૧૯૭૫ના વિશ્વકપમાં ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. પછી ૧૯૭૯માં ભારતનું પ્રદર્શન ફરી એક વાર નિરાશાજનક રહ્યું અને ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ હારીને ભારતીય ટીમ સ્વદેશ પાછી ફરી. ૧૯૮૩માં કપિલદેવના નેતૃત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમવા ગઈ ત્યારે તેની કોશિશ ફક્ત ગ્રૂપ સ્ટેજમાં સારું પ્રદર્શન કરવાની હતી. કોઈએ નહોતું વિચાર્યું કે કપિલની આ ટીમ વિન્ડીઝને હરાવીને ખિતાબ પણ જીતી લેશે. જ્યારે લોર્ડ્સની બાલ્કનીમાં કપિલે વિશ્વકપની ટ્રોફી ઉઠાવી ત્યારે કરોડો ભારતીયો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

ભારતે પ્રથમ મેચમાં વિન્ડીઝ સામે મેન ઓફ ધ મેચ યશપાલ શર્માના ૮૯ રનની મદદથી ૬૦ ઓવરમાં આઠ વિકેટે ૨૯૨ રન બનાવ્યા. રોજર બિન્ની અને રવિ શાસ્ત્રીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને કેરેબિયન ટીમને ૫૫ ઓવરમાં ૨૨૮ રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી. બીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને મેન ઓફ ધ મેચ મદનલાલ (૨૭ રનમાં ત્રણ વિકેટ)ના શાનદાર બોલિંગ પ્રદર્શનની મદદથી ૫૧.૪ ઓવરમાં ૧૫૫ રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારતે આસાનીથી ૩૭.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટ ગુમાવીને ૩૨૦ રનનો સ્કોર ખડક્યો. ભારતીય ટીમ ૩૭.૫ ઓવરમાં માત્ર ૧૫૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ચોથી મેચમાં પણ ભારત વિન્ડીઝ સામે હારી ગયું.

ઝિમ્બાબ્વે સામે લીગ રાઉન્ડની પાંચમી મેચમાં ભારતની હાલત એટલી ખરાબ થઈ હતી કે તેનું આગળ વધવું મુશ્કેલ લાગી રહ્યું હતું ત્યારે કોઈએ પણ વિચાર્યું નહોતું કે કપિલદેવ એ કરી બતાવશે, જે અગાઉ ક્યારેય બન્યું નથી. એ મેચમાં ભારતની શરૂઆતની પાંચ વિકેટ માત્ર ૧૭ રનના કુલ સ્કોર પર ગુમાવી દીધી. એ દિવસ ભારતીય કેપ્ટન કપિલદેવનો હતો. તેણે પૂંછડિયા બેટ્સમેનો સાથે મળીને ભારતીય ટીમનો સ્કોર ૨૬૬ રન સુધી પહોંચાડી દીધો. કપિલે ૧૭૫ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેણે એ ઇનિંગ્સમાં ૧૩૮ બોલનો સામનો કર્યો, જેમાં ૧૬ ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. કપિલે વિકેટકીપર સૈયદ કિરમાણી (૨૪) સાથે નવમી વિકેટની ભાગીદારીમાં ૧૨૬ રન જોડ્યા હતા. ત્યારબાદ ભારતે ઝિમ્બાબ્વેને ૨૩૫ રનમાં ઓલઆઉટ કરી દઈને ૩૧ રનથી મેચ જીતી લીધી હતી. પ્રસારણકર્તા બીબીસીના કર્મચારીઓની હડતાળના કારણે એ મેચનું પ્રસારણ થઈ શક્યું  નહોતું.

Image result for kapil dev 1983

ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં મદનલાલ અને રોજર બિન્નીએ ચાર-ચાર વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાની ટીમને ૧૨૯ રનમાં પેવેલિયન ભેગી કરી દીધી અને ભારતીય ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. સેમિફાઇનલમાં ભારતે યજમાન ઈંગ્લેન્ડને છ વિકેટે હરાવી દીધું અને ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી.

ભારતીય ટીમ પહેલી વાર વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. લોર્ડ્સ રમાયેલી એ ફાઇનલમાં બે વાર ચેમ્પિયન બનેલી વિન્ડીઝની ટીમ સામે પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ ૫૪.૪ ઓવરમાં ૧૮૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ ૩૮ રન શ્રીલંકાએ બનાવ્યા હતા. ત્યારબાદ ભારતના બોલરો ત્રાટક્યા અને વિન્ડીઝની ટીમનો વાવટો માત્ર ૧૪૦ રનમાં સમેટી દીધો. એ જીત સાથે જ ટૂર્નામેન્ટમાં નબળી મનાતી ભારતીય ટીમ પહેલી વાર વિશ્વ ચેમ્પિયન બની. મોહીન્દર અમરનાથને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ (૨૬ રન અને ત્રણ વિકેટ) મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ