ફેન્સિંગ તોડીને લોકો સાઈફનનાં પગિથયાં ઊતરી વહેતા પાણીમાં પગ પલાળવા માટે જાય છેઃ પગ લપસ્યો તો સીધું મોત મળે તેવી સ્થિતિ
અમદાવાદ ફરતે આવેલી નર્મદા કેનાલ સહેલાણીઓ માટે બેસ્ટ ઓપ્શન
નર્મદા કેનાલ જેટલી કુદરતી સૌંદર્યથી ભરપૂર છે તેટલી જ ખતરનાક પણ છે
નર્મદા કેનાલ પર પગ લપસ્યો તો સીધું મોત મળે તેવી સ્થિતિ
અમદાવાદમાં શહેરમાં ધમધમતા ટ્રાફિક વચ્ચે જો કુદરતી વાતાવરણની મજા લેવી હોય અને શાંતિ પણ જોઈએ તો અમદાવાદ ફરતે આવેલી નર્મદા કેનાલ સહેલાણીઓ માટે બેસ્ટ ઓપ્શન છે. નર્મદા કેનાલને લવર્સ પોઇન્ટ અને સેલ્ફી પોઇન્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે રોજ સંખ્યાબંધ પ્રેમીયુગલો અને સેલ્ફીના દીવાના લોકો અહીં આવી રહ્યા છે. નર્મદા કેનાલ જેટલી કુદરતી સૌંદર્યથી ભરપૂર છે તેટલી જ ખતરનાક પણ છે, કારણ કે તેને સ્યુસાઇડ પોઇન્ટ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે ત્યારે એક અદ્ભુત સેલ્ફી લેવાની લાયમાં કેટલાક લોકો કેનાલની નીચે ઊતરે છે, જેના કારણે ડૂબી જવાના પણ બનાવો બની રહ્યા છે. કેનાલમાં પાણીનો પ્રવાહ પણ વધુ જોવા મળે છે.
નાનકડી ચૂક મોતના મુખમાં લઈ જઈ શકે છે
નર્મદા કેનાલને સેલ્ફી પોઇન્ટ પણ કહેવામાં આવે છે, જેના કારણે સેલ્ફીના લવર્સ ત્યાં આવીને જાતજાતની સેલ્ફી લેતા હોય છે ત્યારે કેટલાક લોકો રીલ પણ બનાવતા હોય છે. મેરેજનું પ્રીવેડિંગ શૂટિંગ પણ લોકો કુદરતી સૌંદર્ય સમાન કેનાલમાં કરતા હોય છે. કેનાલ ફરતે ફેન્સિંગ લગાવી દેવામાં આવી છે, જેના કારણે કોઈ ઊતરીને નીચે જાય નહીં. કેનાલમાં ઊતરવા માટે સાઈફનનાં પગિથયાં બનાવ્યાં છે, જ્યાં ઊતરવું પ્રતિબંધિત છે તેમ છતાંય નિયમોની ઐસીતૈસી કરીને લોકો સેલ્ફી લેવાના અથવા તો પાણીમાં પગ પલાળવાના ચક્કરમાં તેમજ માછીમારી કરવા માટે પગિથયાં ઊતરીને જાય છે. કેટલાક લોકોએ કાંટાળી ફેન્સિંગને તોડી નાખી છે. ત્યાર બાદ સાઈફનનાં પગથિયાં ઊતરીને પાણીમાં જાય છે. લોકો પોલીસના ડર વગર કેનાલમાં જાય છે, જ્યાં તેમની નાનકડી ચૂક મોતના મુખમાં લઈ જાય છે. અમદાવાદના કેટલાક યુવકો કેનાલ પર આવે છે, જ્યાં પગિથયાં ઊતરીને છેક કેનાલનાં પાણી સુધી જાય છે અને કલાકો સુધી બેસી રહેતા હતા. સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવકો જીવના જોખમે સેલ્ફી લે છે.
નર્મદા કેનાલની ફાઈલ તસવીર
પ્રેમીયુગલો પાસેથી લૂંટ કરી લેવામાં આવે છે
કેનાલની આસપાસ ક્રિમિનલ પણ ખૂબ ફરી રહ્યા છે, જેનો પર્દાફાશ અનેક વખત થયો છે. ગાંધીનગર અને અમદાવાદ આસપાસની કેનાલ પર એકાંતની પળો માણી રહેલાં પ્રેમીયુગલો પાસેથી લૂંટ કરી લેવામાં આવે છે. શહેરના મોટેરા વિસ્તારમાં રહેતો એક યુવક બુલેટ લઈને સુઘડ કેનાલથી 100 મીટર અંદર જતા રોડ પર પ્રેમિકાને મળવા આવ્યો હતો. બંને બેસીને વાતો કરતાં હતાં ત્યારે ઝાડીમાંથી ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને પ્રેમિકાને મારી નાખવાની ધમકી આપીને ચાંદીની લકી, મોબાઈલ ફોન તેમજ પર્સ લઈ લીધું હતું, જ્યારે યુવતીની સોનાની બે વીંટી પણ તફડાવી લીધી હતી. આ સિવાય પણ ઘણાં પ્રેમીયુગલોને લૂંટી લીધાં હતાં. આ સિવાય કેનાલ પાસે હત્યા, બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ પણ બની છે.
સીસીટીવી કેમેરા લગાવી દીધા
કેનાલ પર ગુનાખોરી વધતાં ડભોડા પોલીસ, અડાલજ પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યાં છે તેમ છતાંય ગુના બની રહ્યા છે અને લોકો પોતાની મનમાની કરીને જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા છે. કેનાલ પર કોઈ સ્યુસાઇડ કરે નહીં તે માટે બ્રિજની બંને બાજુ જાળી લગાવી દીધી છે, પરંતુ લોકો મોતને વહાલું કરવા માટે કેનાલમાં છલાંગ લગાવી રહ્યા છે. કેનાલની બંને બાજુ ફેન્સિંગ નહીં હોવાના કારણે આ મુશ્કેલીઓ સર્જાય છે. આ સિવાય દારૂડિયાઓ દારૂ પાર્ટી કરવા માટે પણ કેનાલ પર આવતા હોય છે. આવા ગંભીર ગુનાને રોકવા માટે પોલીસે સીસીટીવી કેમેરાનો સહારો લીધો છે. પોલીસે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવી દીધા છે, જેના કારણે કોઈ પણ ગુનેગાર ગુનાખોરી કરવા માટે ઘૂસી શકશે નહીં.