દેશની સરકારી ક્ષેત્રની બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ મેસેજ જાહેર કર્યો છે. આ મેસેજ મુજબ બેન્કની અમુક સેવાઓ સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. આ સંદર્ભે બેન્કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નોટીસ પણ જાહેર કરી દીધી છે.
BOIએ ગ્રાહકો માટે એલર્ટ મેસેજ કર્યો જાહેર
બેન્કની અમુક સેવાઓ સતત ત્રણ દિવસ સુધી રહેશે બંધ
બેન્કે સો.મીડિયા એકાઉન્ટ પર એક નોટીસ જાહેર કરી
બેન્કિંગ સિસ્ટમને કરાઈ રહી છે અપગ્રેડ
આ નોટીસ મુજબ 21 જાન્યુઆરીની રાતથી બેન્કિંગ સિસ્ટમને અપગ્રેડ કરાઈ રહી છે. આ પ્રક્રિયા 24 જાન્યુઆરી સવાર સુધી યથાવત રહેશે. આ દરમ્યાન એટીએમ, યુપીઆઈ, મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ, આઈએમપીએસ, આઈવીઆરના માધ્યમથી ડીજીટલ બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે. જો કે, બ્રાન્ચમાંથી આઉટવર્ડ એનઈએફટી અથવા આરટીજીએસ, સ્વિફ્ટ, એનએસીએચ અને ચેનલ ડિલીવરી ઉપલબ્ધ રહેશે નહીં. આ સમયગાળા દરમ્યાન સેવાઓનો રિસ્પોન્સ પેન્ડિંગમાં રહેશે.
બેન્કે વધુમાં જણાવ્યું છે કે ટ્રાન્જેક્શન પ્રક્રિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે અને મૂળભૂત બેન્કિંગ વ્યવસ્થાઓમાં ઓછામાં ઓછા અવરોધોની સાથે પૂર્ણ કરવામાં આવશે. 24 જાન્યુઆરી 2022થી સામાન્ય બેન્કિંગ સેવાઓ ફરીથી સક્રિય થઇ જશે. ઉલ્લેખનીય છે કે, એસબીઆઈએ પણ 6 કલાકથી વધુ સમય સુધી અપગ્રેડેશનનું કામ કર્યુ છે. જેના કારણે 22 જાન્યુઆરીએ 2 વાગ્યાથી સવારે 8.30 વાગ્યા સુધી ડિજીટલ સેવાઓ ઠપ રહી હતી. જેમાં ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઇટ, યોનો બિઝનેસ અને યુપીઆઈ સેવાઓ સામેલ છે.