'યુવાનો અને મહિલાઓ મોટાભાગે એવું કહી રહ્યા છે કે મારે રાજકારણમાં જોડાવું જોઈએ'
કન્વીનરની મહત્વની બેઠકમાં આંતરિક સર્વે
નરેશ પટેલ રાજકારણમાં આવવું જોઇએ તેવો સૂર
બંધ બારણે મળેલી બેઠકમાં સૂર વ્યક્ત થયો
પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી પર રોક લાગતા જ ગુજરાતમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે, નરેશ પટેલ પણ હવે રાજનીતિમાં એન્ટ્રી નહીં કરે,.. પરંતુ હવે નરેશ પટેલની રાજકીય એન્ટ્રી ટૂંક સમયમાં જ થઈ જશે.. કારણ કે, નરેશ પટેલે જ ટૂંક સમયમાં જોડાવાના સંકેત આપ્યા છે.
ખોડલધામમાં બેઠકોનો ધમધમાટ
આજરોજ કાગવડ ખોડલધામ ખાતે જુદા-જુદા ત્રણ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ યોજાયેલ બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાજર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે અનેક બાબતો અંગે વાતચીત કરી હતી. પ્રશાંત કિશોર થી લઇ પોતાના સક્રિય રાજકારણ અંગે ચાલી રહેલા સર્વે સહિતના તમામ મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે આજરોજ યોજાયેલી જુદા જુદા ટ્રસ્ટની બેઠકમાં અમે એક પણ પ્રકારની રાજકીય ચર્ચાઓ નથી કરી. કન્વીનરોની જે બેઠક મળી છે તેમાં માત્ર અને માત્ર સંગઠન લક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી.
કન્વીનરની મહત્વની બેઠકમાં થયો આંતરિક સર્વે
નરેશ પટેલના રાજકીય પ્રવેશની અટકળો વચ્ચે કન્વીનરની મહત્વની બેઠકમાં આંતરિક સર્વે કરવામા આવ્યો છે. જેમાં એક સૂરે કન્વીનરના સમૂહે રાજકીય પ્રવેશ કરો તેવું કહ્યું હોવાની માહિતી મળી રહી છે. આગામી દિવસોમાં જિલ્લા-તાલુકા કન્વીનરની બેઠક બોલાવશે પણ આજે બંધ બારણે મળેલી બેઠકમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાય તેવો આશાવાદ સૌ કોઈ કન્વીનરે વ્યક્ત કર્યો હતો
નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશવા મુદ્દે શું કહ્યું?
ખોડલધામની બેઠક બાદ નરેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, હું ટૂંક સમયમાં જ મારો નિર્ણય જાહેર કરી દઈશ. મારે પણ હવે આ મામલે લાબું નથી ખેંચવું. તેમણે ઉમેર્યું કે, આ મહિનાના અંતમાં હું રાજકારણમાં જોડાવાનો સમય જણાવીશ. તેમણે કહ્યું કે, બહેનો અને યુવાઓ ઈચ્છે કે હું રાજકારણમાં જોડાઉં પરંતુ વડીલો ઈચ્છાછે કે હું રાજકારણમાં ન જઉ તેને લઈને તેઓ મારી ચિંતા કરે છે.
પ્રશાંત કિશોરને લઈને સૂચક નિવેદન
ગઈકાલે જ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની ઓફર ઠુકરાવી દીધી છે ત્યારે નરેશ પટેલ પણ હવે કોંગ્રેસમાં નહીં જાય તેવી ચર્ચાઓ ખૂબ તેજ હતી. જોકે આજે નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે પ્રશાંત કિશોરના નિર્ણયની અસર તેમની પર નહીં પડે. તેમણે કહ્યું કે પ્રશાંત કિશોર મારા ખૂબ સારા મિત્ર છે અને જો હું રાજકારણમાં જઈશ તો તે ચોક્કસ મારી સાથે ઊભા જ રહેશે. આ સિવાય તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ન જવાની વાત તેમની અંગત છે અને પ્રશાંત કિશોરે માત્ર કોંગ્રેસમાં સામેલ થવાની ના પાડી છે, રાજકારણથી દૂર થઈ જવાની જાહેરાત નથી કરી.
મારે પણ બહુ લાંબુ નથી ખેંચવું
રાજકારણમાં પ્રવેશને લઈને નરેશ પટેલ તારીખ પર તારીખ આપી રહ્યા છે ત્યારે આજે પણ તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી અને કઈ તારીખે જાહેરાત કરશે તેને લઈને પણ હજુ પણ અસમંજસતા છે ત્યારે નરેશ પટેલે આજે સૂચક નિવેદન આપ્યું હતું કે યુવાનો અને બહેનો ખૂબ ઈચ્છે કે હું આગળ આવું પણ ખાલી વડીલો એમ ઈચ્છે કે હું રાજકારણમાં પ્રવેશ કરું નહીં. હું આ મહિનાના અંત સુધીમાં તમને ફાઇનલ ડેટ આપી દઈશ કારણ કે હવે મારે પણ બહુ લાંબુ નથી ખેંચવું.