As the midday meal was off, the children would cry if they were hungry, the teachers said.
કિલ્લોલ /
મધ્યાહન ભોજન બંધ હોવાથી 'ભૂખ લાગે તો બાળકો રડી પડતા', શિક્ષકોએ એવું કર્યું કે થઇ ગયા ખુશખુશાલ
Team VTV10:15 PM, 01 Dec 21
| Updated: 10:32 PM, 01 Dec 21
આદિવાસી વિસ્તારના બાળકો શાળા શરુ થતા ભૂખ્યા આવે છે શાળાએ.મધ્યાહ્ન ભોજન યોજના હજુ પણ બંધ હોવાથી બાળકો આકળ-વિકળ. શિક્ષકો સ્વખર્ચે નાસ્તો લાવીને આપે છે.
મધ્યાહન ભોજન બંધ હોવાથી નથી મળતું ભોજન
રડતા ભૂલકાઓને શાંત કરવા શિક્ષકોની પહેલ
સ્વખર્ચે શિક્ષકો બાળકોને આપે છે નાસ્તો
રાજ્ય સરકારે હવે શાળા-કોલેજો સંપૂર્ણ પણે ખોલી નાખી છે.. અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલે જવા પણ માંડ્યા છે.. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં નાના ભૂલકાઓ શાળાએ આવ્યા બાદ ભૂખ લાગતા ક્લાસમાં જ રોવા માંડે છે.. કારણ કે, મધ્યાહન ભોજન વ્યવસ્થા હાલ બંધ છે..ત્યારે નર્મદા જિલ્લાની એક શાળાના શિક્ષકોએ નાના બાળકો માટે મહત્વની પહેલ શરૂ કરી છે. જેના કારણે બાળકો શાળાએ પણ આવે છે. અને રડતા પણ નથી,
બાળકો ભોજન માટે ધલવલે છે.
શાળાઓ શરૂ થઈ છે એટલે નાના બાળકો હોંશે-હોંશે શાળાએ આવી પણ રહ્યા છે. પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નાના ભૂલકાઓ શાળાએ આવ્યા બાદ ભૂખ લાગે એટલે ક્લાસમાં જ રોવાનું શરૂ કરી દે છે.. ત્યારે આ નાના ભૂલકાઓની ભૂખ મિટાવવા અને તેમને શાંત કરવા માટે શાળાના જ શિક્ષકોએ પોતાના ખર્ચે બિસ્કીટ અને ચવાણું જેવો નાસ્તો ખરીદીને બાળકોને આપવાનું શરૂ કર્યું છે.. આવું કરવાથી બાળકની ભૂખ ઠરે છે. અને બાળક શાળા તરફ આકર્ષિત પણ થઈ રહ્યા છે.
શિક્ષકોની અનોખી પહેલ
મહત્વનું છે કે, નર્મદા જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા ,તીલકવાડા, અને ગરુડેશ્વર જેવા તાલુકામાં આદિવાસી લોકો રહે છે. અને આ તમામ લોકો મજદૂરી પર નિર્ભર હોવાથી સવારથી જ કામ પર જતા રહે છે. તેવામા 2 થી 3 કિલોમીટર જેટલું ચાલીને નાના બાળકો ઘરેથી જ ભૂખ્યા શાળાએ આવે છે. કારણ કે,તેમને એવું હોય છે કે, શાળાએ મધ્યાહન ભોજન મળશે. પરંતુ હાલના સમયમાં કોરોનાના કારણ મધ્યાહન ભોજન બંધ છે.. તેવામાં આ નાના ભૂલકાઓને જમવાનું નથી મળતું. અને ભૂખના કારણે તેઓ ક્લાસમાં જ રડવા માંડે છે.. ત્યારે કલીમકવાણા ગામના શિક્ષકોએ હાલ જ્યાં સુધી મધ્યાહન ભોજન શરૂ ન થાય ત્યાં સુધી પોતાના પૈસે બાળકો માટે નાસ્તો લઈ તેમને શાંત કરવાનું કાર્ય શરૂ કર્યું છે.
ક્યારે શરુ થશે યોજના ?
મહત્વનું છે કે,મધ્યાહન ભોજન બંધ હોવાથી બાળકોને પડતી તકલીફો દરેક જિલ્લામાંથી સામે આવી રહી છે.ગુજરાત પ્રાથમિક શિક્ષણસંઘ દ્વારા પણ સરકારમાં આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે ત્યારે આશા રાખીએ કે, સરકાર શાળાઓ બાદ હવે મધ્યાહન ભોજન યોજના અંગે પણ વિચારશે જેથી નાના ભૂલકાઓ શાળાથી દૂર ન ભાગે પરંતુ શાળા તરફ આકર્ષિત બને.