Team VTV06:46 PM, 22 Jun 22
| Updated: 06:48 PM, 22 Jun 22
અરવલ્લીના મેઘરજની યુવતીના હત્યારા સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે. ઘટનાને નજરે જોનારનો ઢોંગ કરનાર જ આરોપી હોવાનો પર્દાફાશ થયો છે.
અરવલ્લીના મેઘરજની યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો
ઘટનાને નજરે જોનારનો ઢોંગ કરનાર જ નીકળ્યો આરોપી
પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હતી
તાજેતરમાં અરવલ્લીના મેઘરજમાં થયેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં જિલ્લા LCB પોલીસની ટીમને સફળતા સાંપડી છે. આ પ્રકરણની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં ઘટનાને નજરે જોનારનો ઢોંગ કરનાર જ આરોપી હોવાનું સામે આવ્યું છે. આ મામલે અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું કે પ્રેમ પ્રકરણમાં આ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં 19 વર્ષના આરોપી કિરણ ભગોરાએ જ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
યુવતી અન્ય યુવક સાથે પ્રેમમાં હોવાની શંકાએ હત્યા કરી
આ પ્રકરણમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં તેમણે પત્રકારોને વિગત આપતા જણાવ્યુ કે, યુવતી અન્ય યુવક સાથે પ્રેમ સબંધમાં હોવાની શંકાને પગલે આરોપી કિરણ ભગોરાએ યુવતીનું કાસળ કાઢી નાખ્યું હતું. ત્યારબાદ પોલીસની નજરથી બચવા યુવતીના મૃતદેહને અવાવરુ જગ્યાએ લટકાવી દીધો હતો અને પોતાનો ગુન્હો છુપાવવા આરોપીએ ઘટનાને નજરે જોઈ હોવાનો ઢોંગ કર્યો હતો. ભેજાબાજ શખ્સે પોલીસ અને પરિવારને ઘટનાની ખોટી માહિતી આપી ગોટે ચડાવ્યા હતા. હત્યા બાદ યુવતી અને આરોપી બંન્નેના મોબાઈલ ફોન ગુમ હતા જેની તપાસમાં મૃતક યુવતીનો ફોન આરોપી પાસેથી મળી આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શુ હતી સમગ્ર ઘટના?
અઠવાડિયા અગાઉ અરવલ્લીના પંડુલી ગામે રહેતા પરિવારની 21 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી.જેની પરિવારજનોએ શોધખોળ કરવા છતાં યુવતીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આથી પરિવારજનોએ સ્થાનિક પોલીસ મથકમાં ગુમ નોંધ કરી હતી. જે અંગે પોલીસ તપાસમાં હતી. આ દરમીયાન મેઘરજ નજીક બેડઝના ડુંગર પરથી યુવતીની લાશ મળી આવી હતી. જેને લઈને પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધારી હતી.બીજી તરફ યુવતીની હત્યા નિપજાવવામાં આવી હોવાની રાવ સાથે યુવતીના પરિવારજનોએ તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહિ જયા સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવાની પણ મનાઈ કરી દીધી છે. ત્યારબાદ પોલીસે આરોપીઓને 15 દિવસમાં પકડી પાડવાની બાંહેધરી આપતા લોકો યુવતીના મૃતદેહને લઇ પરત ફર્યા હતા અને ત્રણ દિવસ બાદ યુવતીની અંતિમવિધિ કરવામાં આવી હતી.