An important statement by the Health Minister regarding the primary health center being closed in the evening
આકરા પાણીએ /
રાજકોટ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે ચાલતા ઋષિકેશ પટેલ એક્શનમાં, કહ્યું અમે સમગ્ર મામલે...
Team VTV04:20 PM, 20 Jan 23
| Updated: 04:26 PM, 20 Jan 23
રાજકોટ નજીક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંજે બંધ થઈ જવા મુદ્દે આરોગ્ય મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, VTV મારફત મને જાણવા મળ્યું છે, અમે સમગ્ર મામલે તપાસ કરાવીશું.
રાજકોટનું ગ્રામ્ય આરોગ્ય તંત્ર બીમાર!
સાંજ પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળા
આરોગ્ય મંત્રીએ કહ્યું- VTV મારફત મને જાણવા મળ્યું
રાજકોટ જિલ્લામાં આરોગ્ય તંત્ર બેફિકર હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લાના કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે હોય તેવું ગતરોજ વાયરલ થયેલા વીડિયો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે ગતરોજ સાંજના 6 વાગ્યા બાદ વાજડી વડ મેટોડા અને ખીરસરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર તાળા જોવા મળ્યા હતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. આ અંગેના વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે.
ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી, ગુજરાત રાજ્ય)
ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન
આ મુદે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 'આ અંગે મને VTV મારફત જાણવા મળ્યું છે, સમગ્ર મામલે તપાસ કરાવવામાં આવશે.' સાથે ત તેમણે રાજકોટ AIIMS મુદ્દે કહ્યું કે, રાજકોટની AIIMS ગુજરાતની એક માત્ર AIIMS છે. OPD અને IPD પણ ટૂંક સમયમાં થઈ જશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને PM નરેન્દ્ર મોદી AIIMS પર ધ્યાન રાખી રહ્યા છે.
DDOએ હાથ ધર્યું હતું સરપ્રાઈઝ ચેકિંગ
મહત્વનું છે કે, થોડા દિવસ પૂર્વે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા અહીં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. DDOના સરપ્રાઇઝ ચેકિંગમાં આરોગ્ય કેન્દ્ર બંધ જોવા મળ્યા હતા. ગત 2 જાન્યુઆરીના રોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લોધિકા તાલુકાના હરિપર પાળ, દેવડા, વીર વાજડી અને મેટોડા ગામની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી. જેમાં હરિપળ પાળના આરોગ્યકર્મી હાજર ન હતા. જ્યારે મેટોડામાં આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હતા અને ખીરસરામાં તલાટી મંત્રી પણ હાજર ન હતા.
બે તલાટી અને બે આરોગ્ય કર્મીને આપી હતી નોટિસ
જેના આધારે બે તલાટી મંત્રી અને બે આરોગ્ય કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવ્યો છે. DDOના ચેકીંગ પછી આ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમી સાંજે તાળા લાગેલા જોવા મળ્યા છે.
સળગતા સવાલ
- સાંજ પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળા કેમ?
- વાજડી વડ મેટોડા અને ખીરસરાનું પ્રાથમિક કેન્દ્ર બંધ કેમ?
- DDOએ ખખડાવ્યા છતાં સ્થિતિ ન સુધરી?
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ કોણ સુધારશે?