An important decision by the people of Ambali Pol to save the endangered Pol culture
નિર્ણય /
અમદાવાદની લુપ્ત થતી પોળ બચાવવા હવે પ્રજા પોતે મેદાને પડી, કોમર્શિયલ એક્ટિવિટી બંધ; જાણ વગર નહીં થાય ઘરવેચાણ
Team VTV12:12 PM, 05 Feb 23
| Updated: 12:13 PM, 05 Feb 23
લુપ્ત થતી પોળની સંસ્કૃતિ બચાવવા આંબલીની પોળના લોકોએ બીડુ ઉપાડ્યું છે. જે મુજબ રહેણાંક માટે લીધેલ મકાનમાં કોમર્શિયલ એક્ટિવિટી કરવા દેવામાં આવશે નહીં.
પોળની સંસ્કૃતિને બચાવવા આંબલીની પોળનો નિર્ણય
કોઈ પણ વ્યક્તિ જાણ વિના પોળના ઘરનું વેચાણ કરી શકશે નહીં
પોળના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવ્યું નોટિસ બોર્ડ
અમદાવાદ શહેરમાં એક સમયે પોળ એ શહેરની ઓળખ હતી. પરંતુ શહેરમાં વિકાસ સાથે અમદાવાદની પોળની સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. લુપ્ત થતી સંસ્કૃતિને અટકાવવા આંબલીની પોળ દ્વારા પ્લાન તૈયાર કરાયો છે. પોળના રહીશોએ પોતાની પોળ અને અન્ય પોળને બચાવવા માટે બીડુ ઉપાડ્યું છે. જે મુજબ હવે કોઈ પણ વ્યક્તિ પોળમાં પોતાનું ઘર જાણ પોળના સભ્યોને જાણ કર્યા વગર અન્યને વેચી શકશે નહીં. ખાડિયા વિસ્તારની આંબલીની પોળના રહીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદની પોળની સંસ્કૃતિ થઈ રહી છે લુપ્ત
આંબલીની પોળના રહીશોએ લુપ્ત થતી પોળ સંસ્કૃતિને બચાવવા માટે આ નિર્ણય લીધો છે. પોળના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક નોટિસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. આંબલીની પોળના 40 ઘરોએ મળી પ્રવેશ દ્વાર પર 7 સૂચનો લખ્યા છે.
આંબલીની પોળના પ્રવેશ દ્વાર પર લગાવાયું નોટિસ બોર્ડ
નોટિસ બોર્ડમાં લખવામાં આવેલું છે કે, પાળમાં મકાન પરપ્રાંતિઓને વેચાણ કે ભાડે આપવું નહીં. પોળમાં મકાન રહેણાંક સિવાય કોઈપણ ધંધાકીય (કોમર્શિયલ) પ્રવૃતિ માટે વેચાણ કે ભાડે આપવું નહીં. રહેણાંક મકાન માટે લીધેલ મકાનમાં ધંધાકીય (કોમર્શિયલ) પ્રવૃતિ કરવા દેવામાં આવશે નહીં, જે બાબતે પોળમાં રહેતા સર્વે રહીશોની સહસંમતિ છે.
પોળમાં કોઈપણ કોમર્શિયલ એક્ટિવિટી ન કરવા માટે પણ આદેશ
બોર્ડમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, ધંધાકિય પ્રવૃતિ સામે પોળના રહીશોને સખત વિરોધ છે અને રહેશે. પોળમાં મકાન ખરીદ/વેચાણ કરતા પહેલા પોળના રહીશો અને સભ્યોને જણાવવું જરૂરી છે. પોળમાં મકાન લેતા પહેલા કયા હેતુથી મકાન લે છે, તેની લેખિતમાં પોળના સભ્યોને જાણ કરવાની રહેશે. સાથએ જ કોઈપણ જાણકારી માટે પોળના સભ્યોનો સંપર્ક કરવો.
સર્વે રહીશોની સંમતિથી લેવાયો નિર્ણય
આ મામલે દેવેન્દ્ર પટેલના નામના સ્થાનિકે જણાવ્યું કે, પહેલા પોળની જેવી ઓળખ હતી એવી ફરી થઈ શકે તે માટે અમે પ્રવેશ દ્વાર પર આ બોર્ડ લગાવ્યું છે. સર્વે રહીશોની સંમતિથી આ લખાણ કરવામાં આવ્યું છે. કોમર્શિયલ થવાથી લોકોની અવરજવર વધી જાય છે, કેવા માણસો એની કોઈને ખબર નથી હોતી.
પોળના લોકો પોતાની પોળને બચાવવા માંગે છે: સ્થાનિક
તેમણે જણાવ્યું કે, 'અમારી પોળમાં દ રેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધારો કે પોળના કોઈ મકાનમાં ગોડાઉન બને તો તે મકાનમાં રહેતા વ્યક્તિ પોળમાંથી બહાર રહેવા જતા રહે, તેથી પોળની વસ્તી ઓછી થતી જાય છે. પોળના લોકો પોતાની પોળને બચાવવા માંગે છે. જેથી આ નિર્ણય લેવાયો છે'