ખોરંભે /
આરંભે સૂરા અને અંતે અધૂરા: AMCનો વોટર ATM પ્રોજેક્ટ 'પાણીમાં', ખર્ચો કરેલા રૂપિયા ડૂબી ગયા
Team VTV10:12 PM, 23 May 22
| Updated: 11:09 PM, 23 May 22
અમદાવાદ શહેરમાં અનેક સ્થળે વોટર ATM મુકવામાં આવ્યા હતા..જ્યાં લોકો હોંશે હોંશે પાણી પીવા તો જાય છે પણ વિલા મોઢે પરત ફરે છે કેમ કે વોટર ATM છેલ્લા ઘણા સમયથી બંધ છે.
AMCનો વૉટર ATM પ્રોજેક્ટ પાણીમાં
અમદાવાદમાં મુકાયા હતા 16 મશીન
પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા લાગ્યા તાળા
આરંભે સૂરા અને અંતે અધૂરા તેવી જ સ્થિતિ AMCના વોટર ATMના પાયલોટ પ્રોજેક્ટની સર્જાઈ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ATM મશીન ઉભા કરવામાં આવ્યા હતા. ગરીબ અને સામાન્ય લોકો સસ્તામાં પીવાનું પાણી મેળવી શકે તે માટે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. પણ હવે આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે. આંગળીના ટેરવે પાણી આવે તે માટે વોટર ATM શરૂ કરવામાં આવ્યા પણ પૈસા ડૂબી ગયા.
16 વિસ્તારમાં વોટર ATMનું હતું આયોજન
અમદાવાદમાં જાહેર સ્થળોએ આ પ્રકારે 16 વિસ્તારમાં વોટર ATM મશીન શરૂ કરવામાં આવ્યા હતા.. જેમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી નજીવી કિંમતે આપવાની વાત થઈ હતી.. જેમાં 200 મિલી લીટરથી લઈને 20 લીટર સુધી પાણી આપવામાં આવતું હતું. 200 મિલી લીટરની કિંમત 2 રૂપિયા રખાઈ હતી. જ્યારે 1 લીટર પાણીની કિંમત 5 રૂપિયા, 5 લીટર પાણી માટે 15 રૂપિયા અને 20 લીટર પાણી માટે 25 રૂપિયા કિંમત રાખવામાં આવી હતી.
કોન્ટ્રાક્ટરનો વાંક કે AMCનો?
આ સમગ્ર પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જોકે પ્રોજેક્ટ પાણીમાં ગયો છે એટલું જ નહીં વીજ બિલ ન ભરતા વીજ કનેક્શન પણ કાપી દેવાયા છે. અને ન જાણે કેટલા સમયથી વોટર ATM પર લોકો પાણી પીવા તો આવે છે પણ અહીં તાળુ લટકેલું જોઈને વિલા મોઢે પરત ફરે છે.
કાશ પ્રોજેક્ટ સુચારું રૂપે ચાલુ હોત..!
રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. કેટલાક સેવાભાવી લોકો પ્રજા માટે પાણીની પરબ પણ બંધાવે છે. જોકે અહીં તો AMC દ્વારા શરૂ કરાયેલો પ્રોજેક્ટ જ ધૂળ ખાઈ રહ્યો છે. જેથી જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે જ્યારે AMCના મેયર કિરીટ પરમારને પૂછવામાં આવ્યું તો તેમને દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળી દીધો.કિરીટ પરમારે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરે કામ અધૂરુ મુકતા પ્રોજેક્ટ રદ થયો છે. હાલ તો કાળઝાળ ગરમીમાં જનતા પાણી માટે વલખાં મારી રહી છે ત્યારે જો આ પ્રોજેક્ટ ચાલુ હોત તો જનતાને શુદ્ધ શીતળ જળ મળ્યું હોત.. જોકે AMCની બેદરકારી કહો કે નિષ્ફળતા. કોન્ટ્રાક્ટર પણ AMCના કહ્યામાં ન હોય તેમ લાગી રહ્યું છે.