Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

StartUp / સાહસ કરીને અમદાવાદના જુહાપુરામાં ખોલ્યો હતો એક સ્ટોર, આજે 50 કરોડનું ટર્નઓવર

સાહસ કરીને અમદાવાદના જુહાપુરામાં ખોલ્યો હતો  એક સ્ટોર, આજે 50 કરોડનું ટર્નઓવર

ગુજરાતીમાં કહેવત છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો પરંતુ આ વાત ત્યારે જ સાર્થક થાય જ્યારે કાંઇક કરી છૂટવાની ભાવના તથા સ્વપ્ન જોવાયું હોય. જો કે, આ બધી જ બાબતો વચ્ચે કશું કરી છૂટવાની લગન મુખ્ય સ્થાને ગણવામાં આવે છે.

આવા જ એક અડગ મનના માનવી માટે પોતાના મિત્રો અને સહકર્મીઓ ખૂબ આગળ વધી ગયા અને અવ્વલ પગાર ધોરણ પ્રાપ્ત કરવા લાગ્યા તે વાત મનમાં ખટકી અને તેમનાથી પણ વધુ આગળ વધવાનું સ્વપ્ન જોયું. બસ ત્યારથી શરૂ કરી Hearty Mart નામનો સુપર શોપ. અમદાવાદના જુહાપુરાથી સાહસ કરીને એક સ્ટોરની શરૂઆત કરી હતી અને આજે ગુજરાતના 14 ગામડાંઓમાં બિઝનેસ ફેલાયેલો છે અને 50 કરોડનું ટર્ન ઓવર કરે છે. ત્યારે જાણીએ તેમની આ સંઘર્ષથી સફળતાની કહાની...

કેવી રીતે શરૂ થયું હાર્ટી માર્ટ ?

નદીમ જાફરી નામના ઉદ્યોગ સાહસિક 1998માં MBA નો અભ્યાસ કર્યા બાદ એક ખાનગી કંપનીમાં નોકરી સ્વીકારી, કેટલોક સમય નોકરી કર્યા બાદ 'બહુ સરસ કામ કર્યુ, હવે આપ ન આવતા ' એવું કંપની દ્વારા કહેવામાં આવ્યું અને આ જુવાનિયાને પોતાનો એક સ્ટોર કરવાનો વિચાર આવ્યો. પોતાની પાસે તો પુરતું ભંડોળ નહીં હોવાને કારણે મિત્રો, સગાં-વ્હાલા અને અને પરિવારના કેટલાક સભ્યો પાસે પોતાના સ્વપ્નનો ચિતાર રજુ કર્યો કેટલાક લોકોએ કહ્યું કે, આ પૈસા ડૂબશે નહીં તેની શું ખાતરી..?

ત્યારે નદીમભાઇ કહ્યું કે, આપણે જે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છીએ તેનો ભાવ દિવસેને દિવસે વધશે. જો વ્યવસાયમાં નિષ્ફળ રહીશું તો આ પ્રોપર્ટી વેચીને પણ નાણાં પરત મેળવી શકીશું. નદીમભાઇની વાત પર તમામને વિશ્વાસ બેઠો અને નદીમભાઈએ પણ તેમને વારસા સ્વરૂપે મળેલા નાણાં લીધા અને કુલ 60 લાખના ભંડોળ થકી 11 ફેબ્રુઆરી 2004 ના રોજ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શરૂ થયો હાર્ટી માર્ટ સ્ટોર.

હાર્ટી માર્ટ નામ કેમ પસંદ કરાયું ?

નદીમ ઝાફરીએ હાર્ટી માર્ટ નામની પસંદગી અંગે કહ્યું કે, 2002નો સમય વિત્યાને હજી થોડો સમયગાળો વિતેલો હતો. જ્યાં આ બિઝનેસ શરૂ કર્યો તે વિસ્તાર વિશે પણ કેટલીક લધુતાગ્રંથી લોકોમાં પ્રવર્તી રહી હતી અને સપ્લાયર્સ પણ અમને માલ આપવા રાજી થાય એમ નહોંતું, ત્યારે વિચાર્યું કે, એવું નામ રાખવામાં આવે કે, લોકોને ગમી જાય અને પછી રાખવામાં આવ્યું Hearty Mart.

સરકારી યોજના કે સબસીડી મદદ લેવાની જરૂર પડી ?

નદીમભાઇ થોડું હસીને જવાબ આપે છે કે, તે સમયે અત્યારની જેમ સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે કોઇ યોજના નહોંતી. જો કે, તે સમયે મારે કોઇપણ પ્રકારની એવી કોઇ જરૂરીયાત ઉભી ન થઇ અને લોકોના વિશ્વાસ અને મદદ થકી હાર્ટી માર્ટની યાત્રા યથાવત રહી અને આજેપણ સરકારી કોઇ યોજના કે સેવાનો લાભ લેવાની જરૂર પડતી નથી. લાયઝનિંગ માટે તેમણે વકીલ મિત્રો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા અને તેમની મદદ થકી તે કામ પાર પાડ્યું.

આજે હાર્ટી માર્ટ ક્યાં પહોંચ્યું છે ?

હાર્ટી માર્ટની 16 વર્ષની અડીખમ યાત્રાને વાગોળતા નદીમભાઈએ કહ્યું કે, 2004 માં પહેલો સ્ટોર શરૂ કર્યો ત્યારબાદ 2007 માં પ્રથમ ફ્રેન્ચાઇઝી હિંમતનગરના ઇલોલ ગામમાં આપી અને બસ ત્યારબાદ હાર્ટી માર્ટની યાત્રા આગળને આગળ વધતી રહી. આજે હાર્ટી માર્ટ બેકરીના 10 આઉટલેટ્સ છે. 14 ફ્રેન્ચાઇઝી અને 9 કંપની સ્વરૂપે હાર્ટી માર્ટ ફેલાયેલું છે.

140 કર્મચારીઓનો સ્ટાફ ધરાવતા હાર્ટી માર્ટ સાથે ઉદ્યોગ સાહસિકો જોડાયેલા છે જે સંચાલનનો એક હિસ્સો છે. આજે દેશના 1000 થી વધુ રેસ્ટોરન્ટને ફુડ ગ્રોસરી સપ્લાય કરવાનું કામ હાર્ટીમાર્ટ કામ કરે છે. જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન મુખ્ય છે. આજે કંપની 50 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવે છે.

સંઘર્ષની યાદગાર પળ ?

વ્યવસાય શરૂ કરવા માટે કરેલ સંઘર્ષની યાદગાર પળને વાગોળતા નદીમ ભાઇ હસી પડે છે, તેમણે કહ્યું કે, પાંચ વર્ષની મહેનત બાદ 2009માં પહેલો નફો જોયો. જો કે, આ પાંચ વર્ષના સમયગાળામાં સ્ટોર સાથે જોડાયેલા લોકોમાં નકારાત્મકતા પ્રસરી ગઇ હતી. હું પણ થોડો અપસેટ થયો અને થોડા સમય માટે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને અન્ય એક સ્થળે નોકરી કરી આ સાથે જ ખાનગી કોલેજમાં વિદ્યાર્થીને મેનેજમેન્ટના પાઠ ભણવ્યા. આ સમયગાળામાં હિંમત હાર્યા વગર નુકસાન થયું હોવા છતાં સ્ટોરમાં ફેરફાર કર્યો જેથી નવી ઉર્જાનો સંચાર થાય અને ખરેખર થયું એવું કે, ગ્રાહકોને સ્ટોરનું રંગરોગાન ગમતું ગયું અને સાથી રોકાણકારો અને કર્મચારીઓમાં ફરી ઉત્સાહ વધ્યો અને પછી ક્યારે પાછું વળવાની નોબત નથી આવી.

ઉદ્યોગ સાહસિકો માટે સક્સેસ મંત્ર

નદીમ જાફરી સક્સેસ મંત્ર આપતા કહે છે કે, ઉદ્યોગમાં માત્ર 2-3 દિવસમાં સફળતા મળી જાય તેવું નથી હોતું. તેના માટે જુસ્સો અને કોઇપણ ભોગે કાંઇક કરી છૂટવાની ભાવના હશે તો ચોક્કસ સફળતા મળશે જ.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ