સતત બે વર્ષ સુધી કોરોના કાળમાં રહેલા રાજ્યના નાગરીકોમાં કોઈ ગામનો સરપંચ પણ આર્થિક સ્થિતિથી ઝઝૂમતો હોય તો નવાઈ નથી. સાબરકાંઠાના આવા જ એક સરપંચે ગ્રામ પંચાયતની હદમાં બાંધકામ રજાચીઠ્ઠી અંગે મંજૂરી સામે રૂપિયા દોઢ લાખની લાંચની માંગણી કરી હતી. હિમતનગરના બાવસર ગામના સરપંચ મુકેશકુમાર ગાભાજી પરમારને લાંચ રુશ્વત વિરોધી શાખાએ ઝડપી લીધો હતો
ચાલુ રાખી લાંચની માંગણી
બાવસર ગૃપ ગ્રામ પંચાયતની હદમાં લોખંડની ફેકટરી બનાવેલ હોય જેની બાંધકામ રજાચીઠ્ઠી માટે આરોપી સરપંચ મુકેશ ગાભાજી પરમારે ફરીયાદી પાસે લાંચની માંગણી કરી હતી. તે સમયે ફરીયાદીની વિનંતીથી આરોપીએ બાંધકામની રજાચીઠ્ઠી ફરીયાદીને આપી હતી.બાદમાં, અવાર-નવાર રજાચીઠ્ઠી આપવા બદલ આરોપીએ ફરીયાદી પાસે લાંચની માંગણી ચાલુ રાખી હતી. અને જો લાંચ નહી આપવામાં આવે તો ફેકટરીની આકારણી વધારે કરી આર્થિક નુકશાન પહોચાડવાની ધમકી પણ આપી રૂપિયા 1 લાખ 50 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચ પેટેની આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ છટકું ગોઠવી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં લાંચ સ્વીકાર્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નાગરીકો બન્યા જાગ્રત
છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાંથી ACBને લાંચ માંગ્યા અંગેની ફરિયાદો આવે છે એ મુજબ કાર્યવાહી પણ થઇ રહી છે.નાની-નાની રકમની પણ જો લાંચ માંગવામાં આવે છે તો ફરિયાદી કોઈ પણ પ્રકારના સમાધાન વગર ACBને જાણ કરી આ પ્રકારનાં ભ્રષ્ટ્રાચારને ડામી દેવા નાગરીકો જાગ્રત બન્યા છે.