આજ સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉનાની બજારોમાં દુકાનો ખુલ્લી ગઈ છે. પોલીસે ભડકાઉ ભાષણ કરવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તો 70થી વધુ તોફાની તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઉનામાં અથડામણ બાદ સ્થિતિ કાબૂમાં
પોલીસે સ્થિતિ પર મેળવ્યો કાબૂ
કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ FIR દાખલ
ગીર સોમનાથના ઉનામાં અથડામણ બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસે અથડામણ કરનારા 70થી વધુ લોકોની ધરપકડ કરી છે. આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરની દુકાનો ખુલી છે. ભડકાઉ ભાષણ કરવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ ગઈકાલે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હતું. જે બાદ શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ધર્મસભામાં કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું હતું ભડકાઉ ભાષણ
વિગતવાર વાત કરીએ તો ઉના શહેરમાં રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 30 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન શહેરના ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેના પડઘા મુસ્લિમ સમાજમાં પડ્યા હતા.
મુસ્લિમ સમાજના લોકો ઉતર્યા હતા રસ્તા પર
31 માર્ચે મુસ્લિમ સમાજના લોકોએ વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરીને કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ કર્યો હતો. બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી. જે બાદ ગીરસોમનાથ જિલ્લા એસપીએ શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી. જેમાં વિવિધ સંગઠનનોના આગેવાનો, વેપારીઓ, સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જે બાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં બંન્ને સમાજ વચ્ચે સમાધાન થયું હતું.
પોલીસે સમાધાન કરાવ્યા બાદ પણ થયો પથ્થરમારો
પોલીસ અને આગેવાનોની શાંતિ સમિતિની બેઠકના કલાકો બાદ ફરી માહોલ તંગ બન્યું હતું. કુંભારવાડા વિસ્તાર અને કોર્ટ વિસ્તારમાં બે કોમના લોકો સામસામે આવી જતાં પથ્થરમારાની ઘટના બની હતી. ગીર સોમનાથના ઉનાના કુંભારવાડા અને કોર્ટ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં ફરી સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
70થી વધુ તોફાનીઓને ઝડપી પાડ્યા
રાત્રિભર અજંપા ભરી સ્થિતિ વચ્ચે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાયો હતો. રાત્રી દરમિયાન પોલીસે કુંભરવાળા,કોટ વિસ્તાર,ભોંય વાળા વિસ્તારમાં કોમ્બીંગ કર્યુ હતું. તોફાન ગ્રસ્ત વિસ્તારમાં કોમ્બિગ હાથધરી 70થી વધુ તોફાની તત્વોને ઝડપી પાડ્યા હતા. ગીર સોમનાથના ઉનામાં જૂથ અથડામણ બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના ટાવર ચોક સહિત વિસ્તારમાં દુકાનો ખુલ્લી છે.