Team VTV08:36 PM, 16 Jan 22
| Updated: 08:39 PM, 16 Jan 22
રાણપુરમાં ત્યજી દીધેલી બાળકીને પોલીસે ખુશી નામ આપ્યું, ધોળકામાં મળી આવેલી બાળકીને સોલા સિવિલ સારવાર હેઠળ ખસેડાઇ
અમદાવાદ ધોળકાના ચલોડ ગામે નવજાત બાળકી મળી
બોટાદ રાણપુરમાં ત્યજી દીધેલી બાળકી મળી આવવાનો મામલો
બોટાદ એસપી હર્ષદ મહેતાએ રાણપુરની લીધી મુલાકાત
આ એવા બનાવ છે જે કોઈના પાપના ભોગનું પરિણામ હાલ જન્મેલી બાળકીઓને ભોગવવું પડી રહ્યું છે આ એવી ઘટનાઓ છે જેમાં બાળકીને માત્ર ત્યજી નથી દેવાઈ પણ તેણે 9 મહિના કૂખમાં રાખી જન્મ થયા બાદ તેના જીવને જોખમી રૂપ ગમે ત્યાં મૂકી દેવાઈ છે. આ સભ્ય સમાજને અને માનવતાને લજવતા કિસ્સાઓ છે. જ્યાં બાળકી કા તો સાપનો ભારો બની ચૂકી છે કા તો પોતાનું પાપ સંતાડવા આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે આવું જ કઈક બન્યું છે બોટાદના રાણપુરમાં અને ધોળકામાં..
રાણપુરમાં ત્યજી દીધેલી બાળકી મળી
બોટાદના રાણપુરમાં ભાદર નદીના કાંઠેથી નવજાત બાળકી મળી આવી છે.નવજાત બાળકી મળી આવવાના સમાચાર મળતા સ્થાનિકો એકઠા થઇ ગયા હતા.અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.જે બાદ પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.હાલ પોલીસે બાળકીના માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે
પોલીસે બાળકીને 'ખુશી' નામ આપીને નામાંકરણ કર્યુ
સમગ્ર મામલે બોટાદ SP હર્ષદ મહેતાએ રાણપુરની મુલાકાત લીધી છે. અને હોસ્પિટલમાં બાળકીની તબિયત અંગે ડોકટર સાથે ચર્ચા કરી સારવાર યોગ્ય રીતે કરવા સૂચન કર્યું છે. બાળકીનો જન્મ અંદાજે પાંચ છ દિવસ પહેલા થયાનું અનુમાન છે ત્યારે આજે અંદાજિત છઠ્ઠીના દિવસે પોલીસે બાળકીને 'ખુશી' નામ આપીને નામાંકરણ કર્યુ છે. LCB અને અન્ય ટીમો બાળકીના પરિવારની શોધમાં લગાડી દેવામાં આવી છે.
ધોળકામાં પણ 10 દિવસની બાળકીને ત્યજી અજાણી વ્યક્તિ ફરાર
તો બીજી તરફ અમદાવાદના ધોળકાના ચલોડ ગામે પણ નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. 10 દિવસની બાળકીને ત્યજીને અજાણી વ્યક્તિ ફરાર થઈ ગયો છે.
બાળકીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી છે. જ્યાં ડોકટરો વધારે ધ્યાન આપી દીકરીની યોગ્ય સારવાર કરી રહ્યા છે. હાલ તો પોલીસે બાળકીને ત્યજી દેનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. હાલ ઉપરોક્ત બંને ઘટનામાં સીસીટીવી તેમજ પોલીસ સૂત્રોના આધારે નવજાતના આરોપીને શોધવાની કવાયત હાથ ધરી દેવામાં આવી છે.