રાજ્યના ઘણા વિસ્તારોમાં ગતરોજ સાંજના સમયે આકાશમાં રહસ્યમય પ્રકાશ દેખાતા લોકોમાં ચર્ચાઓનો દૌર શરૂ થયો હતો. ઝળહળતા ચમકારાના દૃશ્યને જોઈ ક્યાંક એલિયન તો ક્યાંક ખગોળીય ઘટના હોવાને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી.
રાજ્યના કેટલાક ભાગમાં રહસ્યમય આકાશી પ્રકાશ દેખાયો
સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, મહીસાગર જિલ્લામાં દેખાયો પ્રકાશ
એક સીધી લાઈનમાં ઝળહળતો પ્રકાશ દેખાયો
ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગઈકાલે સાંજના સમયે આકાશમાં ટ્યુબ લાઇટ જેવી રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં કુતૂહલ સાથે આશ્ચર્ય સર્જાયું હતું. લોકોએ આ આકાશી દ્રશ્યનો વીડિયો મોબાઈલમાં કંડારી લીધો હતો. જે બાદ આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા હતા. રાજ્યના સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, મહીસાગર સહિત અનેક જિલ્લાઓમાં હારબંધ તારા જેવી કૃતિ દેખાઈ હતી. જોકે, હજુ સુધી આ લાઈટ્સ શું છે તેનું રહસ્ય ખુલ્યું નથી કે કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી રહી નથી.
સુરેન્દ્રનગરમાં આકાશી કુતૂહલ ચર્ચાનો વિષય બન્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ આકાશમાં રહસ્યમય લાઈટ દેખાઈ હતી. જેમાં એક સીધી લાઈન ટ્યુબ લાઇટની જેમ જઈ રહી હોય તેવું દ્રશ્ય દેખાયું હતું. જેના પગલે સમગ્ર જિલ્લામાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
આણંદના બોરસદમાં આકાશમાં ચમકતી લાકડી જેવું દેખાયું
આણંદના બોરસદ પંથકમાં સાંજના સમયે આકાશમાં ચમકતી વસ્તુ દેખાઇ હતી. બોરસદ પંથકમાં સાંજના 7.00 વાગ્યાના અરસામાં આકાશમાં ચમકતી લાકડી જેવું દેખાયું હતું. આકાશમાં ચમકતી લાકડી દેખાતા બોરસદ પંથકમાં કુતૂહલ સર્જાયું હતું. ચમકતી લાકડીને જોવા માટે લોકો ધાબા પર ચડ્યા હતા. લોકોએ ઝળહળતા ચમકારાના દૃશ્યને ખગોળીય ઘટના ગણાવી હતી.
મહીસાગર જિલ્લામાં પણ આકાશમાં જોવા મળ્યું અનોખું દ્રશ્ય
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આકાશમાં આ અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. આકાશમાંથી પસાર થઈ નીચે ધરતી તરફ આવતું એક લાંબી લીટી જેવું દૃશ્ય જોવા મળ્યું હતું. વિરપુરના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા.
દાહોદમાં આશ્ચર્યજનક દ્રશ્યો દેખાયા
દાહોદ શહેરમાં આકાશમાં રહસ્યમય લાઈટ દેખાઇ હતી. રહસ્યમય લાઈટ દેખાતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. ટ્યુબ લાઇટની જેમ સીધી આકાશમાંથી નીચે ઉતરતી જોવા મળી હતી. દાહોદ શહેર તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આ લાઈટ જોવા મળી હતી. દાહોદમાં અજીબ લાઈટની હારમાળા જોવા મળતા સહુ કુતૂહલ પામ્યા હતા.
બોટાદમાં સ્થાનિકોએ મોબાઈલમાં પાડ્યા ફોટા
બોટાદના ગઢડા શહેરમાં પણ આકાશમાં આ દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિકોએ આકાશી દ્રશ્યોના મોબાઈલમાં ફોટા પાડ્યા હતા. આકાશી દ્રશ્યોથી સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
સાબરકાંઠામાં આકાશી કુતૂહલ
સાબરકાંઠાના ઈડર હિંમતનગર તલોદ વિસ્તારના આકાશમાં તારા જેવી ટ્રેન દેખાઇ છે. આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાઇ છે. આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા હતાં.