રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તમામ મહાનગરોમાં ડ્રગ્સનું દૂષણ મોટાપાયે વધતું જઈ રહ્યું છે.આથી ગુજરાત પોલીસ અને DRI દ્વારા ડ્રગ્સ અને તેના સપ્લાયરને ઝડપી મોટા પાયે ઓપરેશન હાથ ધરી છે. ત્યારે વડોદરાના નિઝામપુરાથી MD ડ્રગ્સ ઝડપાયું છે જેની કિમત 7 લાખ જેટલી આંકવામાં આવી રહી છે.
હિમાંશુ પ્રજાપતિ, વિરલ પ્રજાપતિ નામના શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા
વડોદરા SOG દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં 7 લાખના ડ્રગ્સના મુદ્દામાલ સાથે 2 આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. હિમાંશુ પ્રજાપતિ, વિરલ પ્રજાપતિ નામના શખ્સો નશાના બંધાણીઓને એક પડીકી રૂ.2500માં આપતા હતા. આરોપીઓને ડ્રગ્સનો જથ્થો આપનાર હાલોલનો મોહમ્મદ યુસુફ મકરાણી હાલમાં વોન્ટેડ જાહેર કરાયેલો છે. ફતેગંજ પોલીસ મથકમાં NDPSના ગુના હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ હાલોલના વોન્ટેડ સપ્લાયરને પકડવા પોલીસ કામે લાગી ગઈ છે.
કેવી રીતે આરોપીઓને ઝબ્બે કર્યા
પોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન , 72.27 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. વડોદરા શહેર SOGને બાતમી મળી હતી કે અરવિંદ સોસાયટીમાં રહેતો હિમાંશુ પ્રજાપતિ ડ્રગ્સનું વેચાણ કરે છે જે બાય તેના પર સતત વોચ રાખવામાં આવી હતી. જે બાદ ડ્રગ્સ ખરીદવા આવેલો વિરલ પ્રજાપતિનો ઘર સુધી પીછો કરવામાં આવ્યો હતો. જ્યાં હેરાફેરી દરમિયાન વડોદરા SOGએ બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
નશાના બંધાણીઓને એક પડીકી રૂ.2500 માં અપાતી હતી
પોલીસે ઘરમાં તપાસ કરતાં ડબ્બામાંથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું તેમજ ખરીદવા આવેલા વિરલ પ્રજાપતિ પાસેથી હિમાંશુએ આપેલી 2 પડી મળી આવી હતી. ઘરપકડ બાદ પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે તે ડ્રગ્સના નાના જથ્થાને પડીકાંમાં રાખી નશાખોરોને 1 પડીકાના 2500 રૂપિયા લેખે વેચતો હતો.2 આરોપીઓને સાથે ડ્રગ્સના જથ્થાને પકડી ડ્રગ્સ એનડીપીએસ એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થશે.હાલ તો પોલીસની સતર્કતાથી યુવા પેઢીને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે પણ ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડતા રોકવું જરૂરી છે. ડ્રગ્સ માફિયા, પડેલરો, ડ્રગ્સનું સેવન કરતાં લોકો પર કડક કાર્યવાહી થશે તો સમાજમાં દાખલો બેસાડી શકાશે, તેવો લોકો મત વ્યક્ત કરી રહ્યા છે