32 traders were cheated in Diamond City, 7 crore 90 lakhs were taken by
સુરત /
ડાયમંડ સિટીમાં એક, બે નહિ પરંતુ એક સામટા 32 વેપારીઓ છેતરાયા, 7 કરોડ 90 લાખની રકમ લઈ દલાલ રફુચક્કર, ઠગ ઝબ્બે
Team VTV04:35 PM, 29 Jan 23
| Updated: 04:41 PM, 29 Jan 23
સુરતમાં એક સાથે 32 હીરાના વેપારીને ઊંચી કિંમતની લાલચ આપી દલાલે બાટલીમાં ઉતાર્યા હતા. આ મામલે પોલીસ મથકે પહોંચતા પોલીસે આરોપીને દબોચી લીધો છે.
સુરતના હીરા બજારના વેપારીઓ સાથે થઈ ઠગાઈ
32 વેપારીઓ સાથે 7 કરોડ 90 લાખની છેતરપિંડી
વરાછા પોલીસે મહાવીર અગ્રાવતની કરી ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાં હીરા દલાલી કરતા એક દલાલે હીરાના વેપારીઓ સાથે વિશ્વાસ કેળવી છેતરપીંડી કરી હતી. જેમાં 32 જેટલા વેપારીઓ પાસેથી ઊંચા ભાવે હીરા વહેંચી આપવાની લાલચ આપી 7 કરોડથી વધુના હીરા લઈ ઠગ રાફ્ફુચક્કર થઈ ગયો હતો. બાદમાં આરોપીની વરાછા પોલીસે સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડી કરોડોના હીરાનો મુદામાલ કબ્જે કર્યો છે.
સુરતમાં અનેક વખત છેતરપીંડીની ઘટના સામે આવે છે. વેપારીઓએ લાલચ આપી છેતરી લેવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં એક હીરા દલાલે 32 જેટલા વેપારીઓના કરોડોના હીરા લઈ રફુચક્કર થઈ જવાની ઘટના બની હતી. સુરતમાં મહાવીર ઉર્ફે મુસભાઈ અગ્રાવત હીરાની દલાલી કરતો હતો. પિતા પણ છેલ્લા 25 વર્ષથી હીરા દલાલીના વ્યવસાઈ સાથે સંકળાયેલા છે. જેથી તેમના પુત્ર મહાવીર પર આસાનીથી હીરા વેપારીઓને ભરોસો થઈ ગયો હતો. જેનોં લાભ લઈ મહાવીરે અલગ અલગ 32 જેટલા વેપારીઓને ઊંચા ભાવની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં અંદાજીત 7.86 કરોડ રૂપિયાની કિંમતના હીરાના પેકેટ મેળવી લીધા હતા. હીરા આવી ગયા બાદ એકાએક મહાવીર ગાયબ થઈ ગયો હતો. થોડા દિવસ વેપારીઓ એ રાહ જોયા બાદ પણ મહાવીર દેખાયો ન હતો જેથી વેપારીઓએ વરાછા પોલીસ મથકમાં મહાવીર સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવી હતી.
પોલીસે આરોપી મહાવીરની ધરપકડ કરી
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. તાપસ દરમ્યાન સામે આવ્યું હતું કે મહાવીરે પોતાની સાળીને ફોન આપ્યો હતો અને ફોન ફોર્મેટ મારી અને કાર્ડ ફેંકી દેવા જણાવ્યું હતું. પોલીસે મહાવીરના સગા સંબંધીઓ તરફ તપાસનો દોર શરૂ કર્યો હતો. તે દરમ્યાન મહાવીર સુરેન્દ્રનગર ખાતે ગયો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક તપાસનો દોર સુરેન્દ્રનગર સુધી લંબાવ્યો હતો. પોલીસે ત્યાં જઈ જોયું તો મહાવીર સુતેલી હાલતમાં જોવા મળ્યો હતો.
પોલીસે તાત્કાલિક મહાવીરની પૂછપરછ કરી હતી. મહાવીરે પોતાનો ગુનો કબુલ્યો હતો અને 7,86,81,264 ના હીરા કબ્જે કર્યા હતા સાથે જ 2,91,750 નું સોનુ કબ્જે કર્યું હતું. પોલીસે તેમની પૂછપરછ કરતા જણાવ્યું હતું દલાલી કામથી કંટાળો આવી જતા મોટી કિંમત લઈ સેટ થઈ જવાય તે માટે હીરા લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપી મહાવીરની ધરપકડ કરી 7,89,73,014 રૂપિયા નો મુદામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.