13 more cases of corona reported in NID campus ahmedabad
સંક્રમણ /
NIDમાં વધુ 13 કોરોના કેસ આવતા સંસ્થાએ તાબડતોબ લીધો આ નિર્ણય, વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ
Team VTV09:51 AM, 11 May 22
| Updated: 10:43 AM, 11 May 22
NIDમાં વધુ 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર સહિત કુલ 37 લોકો કોરોના સંક્રમિત થતા NIDમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું.
અમદાવાદની NIDમાં વધ્યા કોરોનાના કેસ
35 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોનાગ્રસ્ત
NIDમાં વધુ 13 કેસ સામે આવતા ઓનલાઈન શિક્ષણ શરૂ
ગુજરાતમાં સતત કોરોનાના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં છેલ્લાં કેટલાંક દિવસથી અમદાવાદના NID કેમ્પસમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે NIDમાં વધુ 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી NIDમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. આથી, NIDમાં હવે કોરોનાના કુલ 37 કેસ નોંધાયા છે.
NID કેમ્પસ દ્વારા જણાવેલા આંકડા અનુસાર 6 મેના રોજ 1 કેસ, 7 મેના રોજ 5 કેસ, 8 મેના રોજ 17 કેસ, 9 મેના રોજ 3 કેસ અને 10 મેના રોજ 11 કોરોનાના કેસ નોંધાયા છે. જો કે એકસાથે કોરોનાના આટલાં કેસ સામે આવતા અમદાવાદની NID ની હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારે 8 તારીખ બાદથી AMC દ્વારા NID માં 700 કરતા વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. NIDમાં એકાએક કોરોનાના કેસો વધતા હાલ NIDમાં તમામ ઓફલાઈન વર્ગોને સ્થગિત કરી ઓનલાઈન કરી દેવાયા છે.
અગાઉ 24 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા
અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પાલડીમાં આવેલા NID વિદ્યાસંકુલમાં કુલ 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, NIDમાં છેલ્લાં 3 દિવસમાં આ કેસો નોંધાયા હતા. હાલ આ તમામ વિદ્યાર્થીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના અને કેટલાક સ્થાનિક છે. હાલ તંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ગઇ કાલે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગઇ કાલે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા હતા. જો કે, રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું . નવા નોંધાયેલા કેસની જો વાત કરીએ તો અમદાવાદમાં 24, વડોદરામાં 8 અને જામનગરમાં 1 કેસ સામે આવતા કુલ 33 કેસ નોંધાયા છે.