1 signal was installed at various ports of the state
એલર્ટ /
ભરશિયાળે ગુજરાતમાં નવી મુસીબત: ડીપ ડિપ્રેશનના કારણે એક નંબરનું સિગ્નલ લાગ્યું, તંત્રએ આપ્યા મોટા આદેશ
Team VTV12:16 PM, 15 Dec 22
| Updated: 07:43 PM, 15 Dec 22
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના વિવિધ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી
વેરાવળ, દહેજ, જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું
માછીમારીને પણ દરિયો ન ખેડવાની સૂચના
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
રાજ્યના બંદરો પર લગાવાયા ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહી બાદ અહીં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ ભરૂચના દહેજ બંદર પર અને અમરેલીના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ખેડૂતો ચિંતામાં
તંત્ર દ્વારા દરિયામાં માછીમારી કરતા માછીમારોને સાવચેત રહેવા સૂચન કરાયું છે. ગઈકાલે તાલાળા ગીરના આસપાસના વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. આજે પણ દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ક્યા નંબરનું સિગ્નલ કયારે લગાવાય છે?
દરિયા કિનારે ફુંકાતા પવનની ઝડપના આધારે બંદર ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને 1થી 12 નંબરના સિગ્નલ હોય છે જે પવનની ઝડપ માપવા માટે લગાવવામાં આવતા હોય છે.
સિગ્નલ નંબર-01
પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની હોય ત્યારે આ એક નંબરનું સિગ્નલ લગાવાય છે બહુ ગંભીર નથી હોતો પવન
સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.
સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.
સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.
સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.
સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે. મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. અગાઉ પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો કરવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગમાં લેવામાં આવે છે.