Team VTV04:40 PM, 14 Aug 22
| Updated: 04:48 PM, 14 Aug 22
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની હાકલ કરી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ તિરંગાયાત્રા યોજાઈ હતી
રાજકોટ બન્યું તિરંગામય
સેન્ટ્રલ જેલમાં તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમ દર્શન
દેશભક્તિની ધૂન સાથે નીકળી તિરંગાયાત્રા
સમગ્ર દેશમાં અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે, ત્યારે રાજકોટની સેન્ટ્રલ જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા જેલના પટાંગણમાં જ નીકળી હતી. જેમાં 1 હજાર 800થી વધુ કેદીઓ જોડાયા હતા.
ખેતરમાં તિરંગા સાથે કામ કરી રહ્યા છે ખેડૂતો અને મજૂરો
દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાન દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. ત્યારે સમગ્ર દેશ ભક્તિના માહોલ વચ્ચે ખેતરોમાં મજદૂરો પણ આઝાદી કા અમૃત મહોત્સવના સહભાગી બની રહ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરના વાડી વિસ્તારમાં પણ દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે જગતનો તાત ખેડૂત અને ખેત મજુરો પણ પોતાના ખેતરમાં તિરંગા સાથે કામ કરી રહ્યા છે અને મજદૂરો દ્વારા તિરંગા સાથે ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના નારા સાથે તિરંગા અભિયાનમાં જોડાયને દેશના આઝાદી પર્વનો ઝંડો ફરકાવી અભિયાનને સમર્થન આપતા નજરે પડી રહ્યા છે.
મોરબીમાં 108 ફૂટ ઉંચો તિરંગો લહેરાવવામાં આવ્યો
મોરબી શહેરમાં પણ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી શહેરમાં 108 ફૂટ ઉંચો તિરંગો લહેરાવવામાં આવ્યો. રાષ્ટ્ર ધ્વજને લહેરાવ્યા બાદ સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ઉમિયા સર્કલ પાસે રાષ્ટ્રધ્વજનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં મોરબીવાસીઓ આવ્યા હતા. આ તરફ ગળતેશ્વરના વનોડામાં ગ્રામલોકોએ અનોખી તિરંગા યાત્રા કાઢી હતી. ગ્રામલોકોએ મહીસાગર નદીમાં હોડીમાં સવાર થઇ તિરંગો લહેરાવ્યો હતો.
સાઇકલિંગ જાગૃતિ માટે સાયકલિસ્ટોએ રાષ્ટ્રધ્વજ સાથે કાઢી તિરંગા યાત્રા
દેશ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન મનાવી રહ્યો છે ત્યારે આ અભિયાન હેઠળ અમદાવાદના સાયકલિસ્ટો, સ્માર્ટ સિટી અમદાવાદ અને કેટલીક સંસ્થાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અને સાઇકલિંગ જાગૃતિ માટે લો ગાર્ડન ખાતેના હૈપ્પી સ્ટ્રીટમાં તિરંગા રાઈડનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કેટલાક સાયકલિસ્ટો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા તો કેટલાક સાયકલિસ્ટોએ પોતાની સાયકલને કેસરી,સફેદ અને લીલા રંગમાં ડેકોરેટ કરી હતી. તિરંગા રાઈડમાં નાના બાળકોથી લઈને વડીલ લોકો પણ જોડાયા હતા.