'ગાર્ડિયન રિંગ' કાર્યક્રમ અંતર્ગત પ્રથમ વખત સૂર્યની ગતિનું કરાશે LIVE સ્ટ્રીમિંગ
કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની કહેવાતા મૈસૂરમાં 21 જૂને યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ બેંગ્લોરમાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપીને સાંજે મૈસૂર પહોંચ્યા હતા. આ વખતે મૈસૂર પેલેસમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે.
FILE PIC
વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર દિલ્હીના પુરાના કિલ્લા ખાતે યોગ કરતા જોવા મળશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર દિલ્હીના પુરાના કિલ્લા ખાતે યોગ કરતા જોવા મળશે. જ્યારે વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન તિરુવનંતપુરમના શ્રી પદ્મનાભસ્વામી મંદિરથી યોગ સમારોહમાં ભાગ લેશે. તો આ તરફ વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી અને ડૉ. રાજકુમાર રંજન સિંહ ક્રમશ: વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી અને લોકટક લેક બિષ્ણુપુર, મણિપુરથી યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે.
આવતીકાલે, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે અંકિત થશે. 'માનવતા માટે યોગ' થીમથી માર્ગદર્શિત આ યોગ દિવસને ચાલો, સફળ બનાવીએ અને યોગને લોકપ્રિય બનાવીએ. https://t.co/UESTuNPNbW
આપને જણાવી દઈએ કે ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. તો આ વખતે ઈન્ટરનેશનલ યોગ ડે પર મોદી સરકારના 75 મંત્રીઓ દેશના 75 ઐતિહાસિક વિરાસત સ્થળો પરથી યોગ કરતા જોવા મળશે. કોવિડના સમયગાળા દરમિયાન યોગે દરેકને એકસૂત્રતામાં બાંધ્યા છે અને વિશ્વમાં એકતાની ભાવના જાગૃત થઈ છે. આથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 8મી આવૃત્તિ ' માનવતા માટે યોગ ' થીમ પર ઉજવવામાં આવશે.
'ગાર્ડિયન રિંગ' કાર્યક્રમ અંતર્ગત પ્રથમ વખત સૂર્યની ગતિનું કરાશે LIVE સ્ટ્રીમિંગ
મૈસૂરમાં મુખ્ય કાર્યક્રમ ઉપરાંત વિદેશ મંત્રાલય દ્વારા 'ધ ગાર્ડિયન રિંગ' નામની નવીન અને અનોખી ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો હેતુ ભારતના 'વસુધૈવ કુટુંબકમ'ના સંદેશને આગળ વધારવાનો છે. ગાર્ડિયન રિંગ કાર્યક્રમ દ્વારા સૂર્યની ગતિની ઉજવણી કરવામાં આવશે અને "વન સન, વન અર્થ" ના ખ્યાલને રેખાંકિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે, પૂર્વથી પશ્ચિમ સુધી, તમામ દેશોના લોકો ભારતીય પરંપરાને ઉમંગ સાથે ઉજવતા યોગ સાથે સૂર્યનું સ્વાગત કરશે.ઉલ્લેખનીય છે કે, આમ તો વિદેશમાં ભારતીય મિશન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે, પરંતુ પહેલીવાર 'ગાર્ડિયન રિંગ' દ્વારા તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. મહત્વનું છે કે, 21 જૂનના રોજ, 80 થી વધુ ભારતીય મિશન અને દૂતાવાસ તેમના અધિકારક્ષેત્રના દેશોમાં મોટા પાયે યોગ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે પૂર્વથી શરૂ થતા વિવિધ દેશોનું જીવંત પ્રસારણ ઉગતા સૂર્યની ભૂમિ જાપાનથી ભારતીય સમય અનુસાર સવારે 3 વાગ્યાથી ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે. ડીડી ઈન્ડિયા દ્વારા વ્યાપક ટેકનોલાજીનો ઉપયોગ કરીને ભારતીય સમય અનુસાર સવારે 3 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી વિશ્વના 80 દેશોમાંથી લાઈવ યોગા કાર્યક્રમોનું પ્રસારણ કરશે.