The unique aksay trutiya of the tribals of Gujarat
ઊજળી પરંપરા /
ગુજરાતના આદિવાસીઓની અનોખી અખાત્રીજ: ઘરે-ઘરે જઈને ખેડૂતો વહેંચે છે અનાજ, જાણો રસપ્રદ પરંપરા વિશે
Team VTV06:33 PM, 03 May 22
| Updated: 06:59 PM, 03 May 22
અખાત્રીજ નિમિતે આદિવાસી સમાજ દ્વારા પૂજા અર્ચના કરી આગામી ચોમાસું સારું રહે અને ઢોર ઢાંકર સારા રહે તથા ગ્રામજનોનું આરોગ્ય સારું રહે તેવી માંગ કરાઇ
પ્રકૃતિ પૂજક-રક્ષક આદિવાસી સમાજ દ્વારા અખાત્રીજની અનોખી ઉજવણી
ઓજારોની પૂજા થકી પોતાની ઊજળી પરંપરાને સવાઇ કરી
ધનધાન્યથી સમૃદ્ધિ વધે એ માટે કરાઇ પૂજા- પ્રાર્થના
કોઈ પણ તહેવારો હોય કે લોક મેળાઓ હોય જેની ઉજવણીમાં આદિવાસી સમાજની વર્ષોથી અલગ પરંપરા રહી છે. ત્યારે આજે અખાત્રીજ નિમિતે પ્રકૃતિ પૂજક અને રક્ષક એવાં આદિવાસી સમાજ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમુદાય ધરાવતા ગામોમાં ગામના વડીલો અને પૂજા વિધિ જાણકારોએ ભેગા મળીને ખેતીમાં વાવણી કે રોપણી સમયે ઉપયોગી ઓજારોની પૂજા કરી પોતાની ઊજળી પરંપરાને સવાઇ કરી હતી.
ખેતીના ઓજારોની પૂજા કરાઇ
વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનું આદિવાસી સમુદાયમાં અનેરું મહત્વ છે. અખાત્રીજના તહેવારને આદિવાસી સમાજના નવા વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિવાસી સમજ પહેલેથી જ પ્રકૃતિ પૂજક રહ્યો છે. કોઈ સારા નરસા પ્રસંગ હોઈ તેમાં પ્રકૃતિ, પૂર્વજોનું પૂજન પ્રથમ હોઈ છે. કોઈ સારા નરસા પ્રસંગમાં પ્રકૃતિ, પૂર્વજોનું પૂજન તેઓની આગવી ઓળખ છે. ખેતી અને પશુપાલન તેઓનો મુખ્ય વ્યવસાય હોવાથી આજે અખાત્રીજના અવસરે ગામના વડીલો અને પૂજા વિધિ જાણકાર આગેવાનો સાથે મળીને ખેતીના ઓજારોની અને વાવણી કે રોપણી સમયે ઉપયોગી સાધનોની પૂજા કરી હતી. આ તકે પ્રાથના કરી આગામી ચોમાસું સારું રહે અને ઢોર ઢાંકર સારા રહે તથા ગામમાં રોગચાળો માથું ન ઊંચકે અને દરેક ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને ધનધાન્ય થકી સમૃદ્ધિ વધે એ માટે પૂજા- પ્રાર્થના કરવામાં આવી હતી.
કણ થી મણ થાય તેવી પ્રાર્થના કરાય
આ દિવસે ગામના ભગત વિવિધ બિયારણ/પૂજા સામગ્રીથી ભરેલી વાંસની ટોપલી લઇને "બગની ભૂત" નામના આદિવાસી દેવ થાનક ખાતે ભેગા થયા હતા. કુદરતને પ્રાર્થના કરી વહેલી તકે વરસાદ લાવવાની અને પુષ્કળ પાક ઉગાડવાની અરજ કરવામાં આવી હતી. અખૂટ શ્રદ્ધા, આસ્થા, ભક્તિ ભાવ અને વિશ્વાસ સાથે કણ થી મણ થાય તેવી પ્રાર્થના કરાય હતી. આ પૂજન અર્ચન બાદ ખેડૂતોએ પોતાના ખેતરમાં કામના શ્રી ગણેશ કર્યા હતા. આ પૂજા થઇ ગયા પછી કોઠારીમાં રહેલું અનાજ ગામના લોકોને ઘરે થોડું થોડું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અનાજ (કણી)ને ખેડૂતો પોતાના ઘરમાં રહેલા અનાજ સાથે ભેળવી દઈ આમ આદિવાસી સમાજ દ્વારા અખાત્રીજ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.