State government announces help in attack on Dalit family in Kutch, Mewani says - 'We will do this work on the 1st'
સંવેદના /
કચ્છમાં દલિત પરિવાર પર હુમલા મામલે રાજ્ય સરકારે સહાય જાહેર કરી, મેવાણીએ કહ્યું- '1 તારીખે કરીશું આ કામ'
Team VTV05:44 PM, 30 Oct 21
| Updated: 06:07 PM, 30 Oct 21
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાની રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી નોંધ
કચ્છના નેર ગામની ઘટના મુદ્દે સરકાર સક્રિય
ઘાયલો માટે 21 લાખની સહાય; સામાજિક ન્યાય મંત્રી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જાહેર કર્યું આંદોલન
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે.સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદિપસિંહ પરમારે આ અંગેની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇનેય આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે.
સરકારે જાહેર કરી સહાય
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીએ ઉમેર્યુ કે, દલિત અત્યાચારની આ ઘટનામાં જે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ 21 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
પોલીસે ઘટનામાં 7 ની કરી અટકાયત
મંત્રીએ જણાવ્યું કે, કચ્છની આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
આ સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને 7 વ્યક્તિઓની અટકાયત કરી છે. એટલું જ નહિ, એફ.આઇ.આર પણ દાખલ કરવામાં આવી છે.
પ્રદિપસિંહ પરમારે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, રાજ્યમાં આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેની સંપૂર્ણ તકેદારી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને પાર પાડશે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શું કહ્યું ?
ત્રણ દિવસ પહેલા કચ્છના ભચાઉના નેર ગામે થયેલા એક પરિવાર પરના હિંસક હૂમલા બાદ,કેટલાક ઘાયલ સદસ્યોને ભૂજની હોસ્પીટલમાં દાખલ કરાયા છે . આ ઘટના બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપવા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે આદેશ કર્યા છે. આ વચ્ચે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ, પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મંદિરમાં અનુસૂચિત જાતિના લોકોને પ્રવેશ મળવો જોઈએ. ભચાઉં પોલીસે સારી રીતે એક્શન લીધા છે. અને પહેલી નવેમ્બરે કચ્છના મંદિરમાં દલિત સમાજ પ્રવેશ કરશે. મેવાણી એ આ મુદ્દે આંદોલન જાહેર કરતા કહ્યું કે, 1 તારીખે રાપરના વરણું ગામના મંદિરમાં સમાજ જશે અને રાજ્યના અન્ય મંદિરોમાં પણ પ્રવેશ કરીશુ. મેવાણીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, બંધારણમાં અસ્પૃસ્યતા નાબુદી કલમ છે છતાં સરકાર ચૂપ છે.