શ્રેયસ ઐયરે શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 શ્રેણીમાં પોતાની બેટિંગથી સૌ કોઈનુ દિલ જીતી લીધુ. ધર્મશાળામાં રમાયેલી ત્રીજી મેચમાં પણ તેણે અર્ધસદી ફટકારી હતી અને ભારતીય ટીમની જીતનો મુખ્ય આધાર સાબિત થયો.
ભારતીય ધરતી પર શ્રેયસ ઐયરે રચ્યો ઈતિહાસ
શ્રેયસ ઐયરને શાનદાર બેટીંગ માટે પ્લેયર ઑફ ધ સિરીઝ પસંદ કરાયો
શ્રેયસ ઐયર પહેલા કોઈ પણ બેટ્સમેને 50 પ્લસ સ્કોર બનાવ્યો નથી
શ્રેયસ ઐયરે રચ્યો ઈતિહાસ
શ્રેયસ ઐયરને આ શ્રેણીમાં વિરાટ કોહલીની જગ્યાએ એટલેકે ત્રીજા નંબરે અજમાવવામાં આવ્યો હતો અને તેમણે પોતાની બેટીંગથી ભારતીય ટીમને આ શ્રેણીમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી. તેણે સતત ત્રણ મેચોમાં નોટઆઉટ રહીને ત્રણ અર્ધસદી ફટકારી અને આખી સીરીઝ દરમ્યાન તેની શાનદાર બેટીંગ માટે તેને પ્લેયર ઑફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો. ભારતીય ધરતી પર ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સતત ત્રણ મેચોમાં શ્રેયસ ઐયર પહેલા કોઈ પણ બેટ્સમેને 50 પ્લસ સ્કોર બનાવ્યો નથી. પરંતુ ઐયરે આ કમાલ કરી દીધી અને ઈતિહાસ રચી નાખ્યો. તેણે ભારતીય ટીમ તરફથી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ મેચોની ટી-20 શ્રેણીની ત્રણ મેચોમાં સતત 50 પ્લસની ઈનિંગ રમનારા પ્રથમ બેટ્સમેન બનવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યુ.
ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં શ્રીલંકા 3-0થી ક્લીન સ્વીપ
શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 શ્રેણીની પહેલી મેચમાં લખનઉમાં શ્રેયસ ઐયરે અણનમ 57 રનની ઈનિંગ રમી હતી અને આ મેચમાં ભારતીય ટીમને 62 રનથી જીત મળી હતી. બીજી મેચમાં ધર્મશાળામાં તેમણે અણનમ 74 રનની ઈનિંગ રમી અને આ મેચમાં ભારતીય ટીમનો 7 રનથી વિજય થયો હતો. તો ત્રીજી મેચમાં તેમણે 45 બોલનો સામનો કરીને એક છગ્ગો અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 73 રનની ઈનિંગ રમી. શ્રેયસ ઐયરની આ ઈનિંગના કારણે ભારતીય ટીમને ત્રીજી મેચમાં 6 વિકેટથી જીત મળી અને ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટી-20 શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી ક્લીન સ્વીપ કરી નાખ્યું.