Saudi Arabia raises tensions over petrol prices Worldwide
BIG NEWS /
પેટ્રોલના ભાવમાં માંડ સરકારે રાહત આપી ત્યાં સાઉદી અરબે ટેન્શન વધાર્યું! દુનિયાભરમાં ખળભળાટ
Team VTV06:42 PM, 26 May 22
| Updated: 06:57 PM, 26 May 22
વધતા જતા ભાવ વધારાને પહોચી વળવા સાઉદી અરેબિયાએ તેલનું ઉત્પાદન વધારવાને બદલે રીફાયનરીમાં નિવેશ કરવાની સલાહ આપી.
સાઉદી અરેબિયા હાલ ઓઈલ ઉત્પાદન વધારવા માંગતું નથી
ક્રૂડ ઓઇલના ભાવમાં 70 ટકાનો વધારો થયો
ઓઇલ રિફાઇનરીઓમાં વધુ રોકાણ કરવા અરબના પ્રિન્સની માંગ
ક્રુડ ઓઈલ ભાવ વધારાથી દેશમાં વધી મોંઘવારી
પેટ્રોલિયમના ભાવ વધવાના કારણે દુનિયાના તમામ દેશો મોંઘવારીની ચપેટમાં આવી ગયા છે. અમેરિકામાં પણ મોંઘવારી વધી રહી છે, પરંતુ તેલના મોટા નિકાસકારો ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા તૈયાર હોય તેવું લાગતું નથી. વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંના એક સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે તેલના વધતા ભાવોને રોકવા માટે કોઈ પગલાં લેશે નહીં. સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાનનું કહેવું છે કે તેલની કોઈ કમી નથી, તો પછી કયા આધારે કાચા તેલનું ઉત્પાદન વધારવું જોઈએ?
સાઉદી અરેબિયા તેલનું ઉત્પાદન નહીં વધારે
બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ અનુસાર પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને મંગળવારે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહ્યું હતું કે, "જ્યાં સુધી અમને ખબર છે, ત્યાં સુધી તેલની કોઇ કમી નથી. સાઉદી અરેબિયાએ આ બાબતમાં જે કરી શકે તે કર્યું છે." ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયા ક્રૂડ ઓઇલનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. માર્ચમાં, આઇઇએએ તેલના વધતા જતા તેલના વધતા જતા ભાવોને અંકુશમાં લેવાના પ્રયાસરૂપે સ્ટોકમાંથી વધુ ઓઇલ આપવા માટે 10-પોઇન્ટની યોજના તૈયાર કરી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધ પણ ભાવ વધારા માટે જવાબદાર
દુનિયાભરમાં તેલની કિંમતોમાં વધારો થવાનું એક મોટું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. રશિયા વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. યુક્રેનના આક્રમણને કારણે રશિયન તેલ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલની અછત સર્જાઇ હતી. ગત વર્ષની સરખામણીએ ક્રૂડ ઓઇલના ભાવમાં 70 ટકાનો વધારો થયો છે. ક્રુડ ઓઈલ 110 ડોલર પ્રતિ બેરલ હતું તે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હવે ક્રૂડ ઓઇલમાં 20 ટકાનો વધારો થયો છે.
પુરતો પુરવઠો જળવાઈ રહ્યો છે
સાઉદીના વિદેશ મંત્રીએ વર્લ્ડ ઇકોનોમિકસ્પષ્ટ કર્યું હતું કે, તેમનો દેશ કોઇપણ રીતે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારશે નહીં. "અમારું અનુમાન એ છે કે હકીકતમાં, અત્યારે તેલનો પુરવઠો પ્રમાણમાં સંતુલિત છે. પરંતુ આપણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે બજારમાં ક્રૂડ ઓઇલ લાવવા કરતાં વધુ મુશ્કેલ છે. "
તેલની કિંમતોથી ભારત પણ પરેશાન છે
તેલની કિંમતો વધવાથી ભારત, અમેરિકા વગેરે દેશોમાં મોંઘવારી વધી છે. એપ્રિલમાં અમેરિકામાં ફુગાવો 8.૩ ટકા હતો. આ સાથે જ એપ્રિલમાં ભારતમાં મોંઘવારી દર 7.8 ટકા હતો. ફુગાવાની આ સ્થિતિ લાંબા ગાળે વધુ ગંભીર બની શકે છે.
ઉનાળામાં તેલની માંગમાં વધારો
આઇઇએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતીહ બિરોલે પણ ચેતવણી આપી છે કે ઉનાળામાં તેલની માંગમાં વધારો થવાથી વૈશ્વિક મંદી આવી શકે છે.સોમવારે બ્લૂમબર્ગ ટીવી સાથે વાત કરતા બિરોલે કહ્યું, "આ ઉનાળો મુશ્કેલ હશે કારણ કે સામાન્ય રીતે ઉનાળામાં તેલની માંગ વધે છે. વૈશ્વિક ઊર્જા બજારમાં તેલના ભાવોને અંકુશમાં લેવા માટે દરેક દેશે ફાળો આપવાની જરૂર છે." પરંતુ પ્રિન્સ ફૈઝલની દલીલ છે કે ઊર્જાના વધતા ભાવને કાચા તેલનો પુરવઠો વધારીને નહીં, પરંતુ ઓઇલ રિફાઇનરીઓમાં વધુ રોકાણ કરીને અટકાવી શકાય છે. "ખરી સમસ્યા રિફાઇન્ડ ઓઇલની છે. છેલ્લા દોઢથી બે વર્ષમાં રિફાઇનરીની ક્ષમતા વધારવામાં બહુ ઓછું રોકાણ થયું છે."
ક્રુડ ઓઈલનું ઉત્પાદન ન વધારવાનો કાયદો ૩ મહિનામાં ખત્મ થશે
સાઉદી અરેબિયા ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC+) નું નેતૃત્વ કરે છે. આ સંગઠને રશિયા, ઓમાન અને કઝાકિસ્તાન જેવા ભાગીદાર દેશો સાથે મળીને કોવિડને કારણે માંગમાં ઘટાડાને પહોંચી વળવા માટે એપ્રિલ 2020થી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાનું સંયુક્ત રીતે બંધ કરી દીધું હતું. આ ડીલ ત્રણ મહિનામાં સમાપ્ત થવા જઈ રહી છે.