એક તરફ બનાસકાંઠા ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડતાં નારાજ કાર્યકર્તાઓએ હવે ઠાકોર સેનામાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રોયલ ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યા છે.
રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનો અલ્પેશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યો હતો. રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક રમેશ ઠાકોરે કહ્યું કે, ઠાકોર સેનાના નિર્માણ બાદ ભાજપ સાથે બેઠક થઇ હતી. અલ્પેશના નેતૃત્વમાં અમિત શાહ સાથે બેઠક થઇ હતી. 2017ની ચૂ્ંટણી પહેલાં પણ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જેમાં ભાજપે 14 વિધાનસભા ટિકિટ અને 10 બોર્ડ નિગમની ડીલ કરી હતી.
પરંતુ અલ્પેશ ઠાકોરે આ ડીલ થવા દીધી ન હતી. ભાજપ સાથે ડીલ ન થતા અલ્પેશે કોંગ્રેસ સાથે બેઠક કરી હતી. કોંગ્રેસ સાથે બંધ બારણે બેઠક થઇ હતી. ત્યારબાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે બંધબારણે 8 વાર બેઠક યોજી હતી. પછી અચાનક જ કોંગ્રેસને સમર્થન આપવાની વાત કહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતા ઠેર ઠેર વિરોધનો શૂર ઉઠ્યો છે. જેને લઇને ઠાકોર સેના પણ અલ્પેશ ઠાકોર સામે મેદાને આવી છે. થોડા સમય અગાઉ મહેસાણા ઠાકોર સેનાએ અલ્પેશ સાથે છેડો ફાડી નાખ્યો હતો. આગામી સમયમાં અલ્પેશ વિરૂદ્ધ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.