Police grade pay agitation postponed after meeting with Gujarat state DGP
BIG NEWS /
ગુજરાત સરકારને મોટી રાહત: પોલીસ ગ્રેડ પે આંદોલન મોકૂફ, સત્તાવાર જાહેરાત બાકી
Team VTV08:23 PM, 27 Oct 21
| Updated: 10:32 PM, 27 Oct 21
પોલીસ પરિવાર જનોને રાજ્યના DGP સાથે બેઠક કરી રહ્યા છે ગઈ કાલે ગૃહરાજ્ય મંત્રી સાથે કરી હતી બેઠક
પોલીસ ગ્રેડ પે આંદોલન મુદ્દે મોટા સમાચાર
આંદોલન મોકૂફ: હજુપણ પરિવારજનો સાથે DGPની ચર્ચા ચાલુ
બેઠક બાદ આંદોલન સમાપ્તિની સત્તાવાર જાહેરાત થશે
ગુજરાત સરકાર માટે મોટી ચેલેન્જ સમાન પોલીસ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. હાલ રાજ્યના પોલીસ વડા સાથે પોલીસ પરિવારોની બેઠક ચાલી રહી છે. જેમાંથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિવિધ માગણી મુદ્દે DGPના સકારાત્મક અભિગમ બાદ આંદોલન પાછું ખેચવામાં આવ્યું છે. પોલીસ અને પરિવારજનો સાથે DGPએ ચર્ચા કરી હતી.આંદોલન મૌકૂફીની સત્તાવાર જાહેરાત બાકી છે પણ પોલીસકર્મી ચિરાગ ચૌધરીએ કહ્યું છે કે આંદોલનકારીઓએ 15 મુદ્દા અંગે DGPને રજૂઆત કરી હતી. જે બાદ DGPએ મુદ્દાઓ અંગે હકારાત્મક વલણ સાથે બાંહેધરી આપી છે. યોગ્ય હલ લાવવાની બાંહેધરી બાદ આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાથે જ આવતીકાલે આંદોલનકારીઓ ગૃહમંત્રીને મળી સમગ્ર વિગતોની રજૂઆત કરશે અને સરકારને ઝડપથી ગ્રેડ પે સહિત અન્ય 15 મુદ્દાઑ માટે નિર્ણય લેવા આંદોલનની રાહે નહીં પણ વાતચીતની રાહે હવે આગળ વધશે
પોલીસ ગ્રેડ પે આંદોલનને લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે પોલીસનો પરિવાર મારો પરિવાર છે. હુ જેમ મારા પરિવારને મળુ છું એમ એમને પણ મળવાનો છું. આવતીકાલે સવારે 11 વાગ્યે પોલીસ પરિવાર સાથે મુલાકાત કરીશ
ગુજરાત સરકારનો શું છે મત
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. જીતુ વાઘાણી એ કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના આગેવાનો સાથે સાથે ચર્ચા કરી છે. અને રાજ્ય સરકાર જે નિયમ હશે અને કરવા જેવું હશે તે ચોક્કસ સરકાર કરશે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે તેવી કર્મચારીઓને અપીલ કરું છું. રાજ્યની જનતાને કોઈપણ આંદોલનથી તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય. આપને જણાવી દઈએ કે, પોલીસ ગ્રેડ પે મામલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું જે બાદ DGP સાથેની બેઠક બાદ આંદોલન હાલ પૂરતુ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રીએ અમને મદદની ખાતરી આપી છેઃ પોલીસ પરિવાર
ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉચ્ચ અધિકારીઑ સાથે મીટિંગ કરી બાદમાં પોલીસ પરિવારે બેઠક કરી હતી. જેમાં પોલીસ પરિવારે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ અમને મદદની ખાતરી આપી છે. અમને પોલીસે કોઇ ધમકી આપી નથી. ગ્રેડ પે અને SRPના મુદ્દે ચર્ચા થઇ છે. ગૃહ રાજ્યમંત્રી પોલીસ પરિવારો સાથે ફરીથી બેઠક કરશે. આ કોઇ રાજકીય આંદોલન નથી. ખોટા મેસેજ વાયરલ થયા છે તેને દૂર કરાશે. અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી. સરકાર સમિતિની રચના કરશે. 7 મુદ્દાઓ પર ગૃહ રાજ્યમંત્રી સાથે ચર્ચા થઇ છે. જ્યાં સુધી પ્રશ્નો નહી ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
પણ હવે સરકાર અને પોલીસ તરફથી સકરાત્મક જવાબ મળતા આંદોલન હાલ પૂરતું મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા જ દિવસોમાં માગણી મુદ્દે સરકાર યોગ્ય રીતે વિચારી પોલીસ કર્મીના હિતમાં મોટો નિર્ણય લેશે તેવા એંધાણ છે.