Police active to stop drug business on Sindhubhan Road of Ahmedabad
એક્શન /
અમદાવાદના સિંધુભવન રોડ પર પોલીસ ઍલર્ટ: દારૂ-ડ્રગ્સ અને સ્ટંટ કરતાં નબીરાઓ પકડાશે, વેપારીઓ સાથે કરી બેઠક
Team VTV08:32 AM, 05 Feb 23
| Updated: 08:39 AM, 05 Feb 23
અમદાવાદના જાણીતા એસબીઆર એટલે કે સિંધુભવન રોડ પર નશાનો કારોબાર રોકવા પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા પોલીસે વેપારીઓની મદદ લેવાનું નક્કી કર્યું છે.
સિંધુભવન રોડ પર નશાના કારોબારમાં વધારો
નશાનું દૂષણ ડામવા પોલીસે વેપારીઓની લીધી મદદ
150 હોટેલ, કાફે માલિકો સાથે પોલીસે કરી બેઠક
અત્યાર સુધી પંજાબ રાજ્યને ઉડતા પંજાબ કહેવામાં આવતું હતું. કેમકે પંજાબમાં ડ્રગ્સનું સેવન અને વેચાણ સૌથી વધુ થતું હતું. જોકે, થોડા સમયથી ગુજરાતમાં પણ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ડ્રગ્સનો નશો યુવાધનને બરબાદ કરતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પણ છાશવારે ડ્રગ્સ પેડલર ઝડપાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના જાણીતા એસબીઆર એટલે કે સિંધુભવન રોડ પર પોશ વિસ્તારના યુવાનોને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોવાની માહિતી ખૂલતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હવે સિંધુભવન રોડ પર નશાનો કારોબાર રોકવા પોલીસ એક્ટિવ થઈ ગઈ છે.
ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા પોલીસે હવે વેપારીઓની મદદ લીધી
પોલીસ શહેરના જાણીતા સિંધુભવન રોડ પર બાઇક-કારમાં સ્ટન્ટ કરતા તેમજ દારૂ-ડ્રગ્સનું સેવન કરતા નબીરાઓને પકડવા સમયાંતરે ડ્રાઇવ યોજે છે છતાં હજુ આ બધાં દૂષણ સંપૂર્ણ બંધ કરી શકાયાં નથી. ત્યારે હવે આવા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા પોલીસે હવે વેપારીઓની મદદ લેવાનું નક્કી કર્યું છે.
વેપારીઓ સાથે યોજી બેઠક
ગઈકાલે એટલે કે શનિવારે પોલીસે સિંધુભવન રોડ પર આવેલા કાફે, હોટલ અને રેસ્ટોરાંના માલિકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસે તમામ વેપારીઓને અપીલ કરી હતી કે, આવા પ્રકારની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિ થતી જાય તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે.
સિંધુભવન રોડ (અમદાવાદ)
સિંધુભવન રોડ પરથી ઝડપાયા હતા બે પેડલર
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં સિંધુભવન રોડ પરથી ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા હતા. SOGની ટીમે મૂળ પાલનપુરના રહેવાસી ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલી ખાન નાગોરી નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા પહેલાં જ એસઓજીના હાથે ઝડપાઈ ગયા હતા.
લાખોનો મુદ્દામાલ કર્યો હતો કબજે
તેઓની પાસેથી પોલીસે 29 લાખનું 296 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. આ બંને પાલનપુરથી ખાસ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આપવા આવ્યા હતા. આરોપીઓ છેલ્લા 6 માસમાં ત્રણ વાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યા હોવાનું તપાસમાં સલામે આવ્યું હતું.