PM Modi will go to gandhinagar for blessings of mother Hiraba On June 18
ગુજરાત પ્રવાસ /
18 જૂને 100 વર્ષના થશે હીરાબા, આશીર્વાદ લેવા પહોંચશે PM મોદી, પછી પાવાગઢમાં દર્શન
Team VTV02:58 PM, 15 Jun 22
| Updated: 03:09 PM, 15 Jun 22
PM મોદી ફરીવાર 17-18 જૂનના રોજ ગુજરાત પ્રવાસે છે ત્યારે 18 જૂનના રોજ માતા હીરાબાને 100 વર્ષ થતા PM મોદી માતાના આશીર્વાદ લઇને પાવાગઢ જશે.
PM મોદી ફરીવાર 17-18 જૂનના રોજ ગુજરાત પ્રવાસે
18 જૂનના રોજ પીએમ મોદીનાં માતા હીરાબાને થશે 100 વર્ષ
PM મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે
PM મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 17-18 જૂન એમ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે 18 જૂનના રોજ પીએમ મોદીનાં માતા હીરાબા 100 વર્ષના થશે. ત્યારે માતા હીરાબાના જન્મદિન નિમિત્તે PM મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. હીરાબાના 100માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન રખાયું છે.
17 જૂનના રોજ PM મોદી રાત્રે અમદાવાદ પહોંચશે
જણાવી દઇએ કે, તારીખ 17 જૂનના રોજ PM મોદી રાત્રે અમદાવાદ પહોંચશે. રાત્રે 8 વાગ્યે ગાંધીનગર રાજભવન પહોંચશે. બાદમાં 18 જૂનના રોજ સવારે પીએમ મોદી પાવાગઢ જશે. સવારના 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પાવાગઢ મંદિરે દર્શન કરશે. 11:30 થી 11:45 સુધી વિરાસત વનની મુલાકાત લેશે. બપોરના 12:15 વાગ્યે PM મોદી વડોદરા પહોંચશે. જ્યાં તેઓ ગુજરાત ગૌરવ અભિયાનને સંબોધન કરશે. બાદમાં બપોરે 2:30 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. 17 અને 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.
૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના હસ્તે ગુજરાતને મળનાર ભેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ - બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા ૮૯૦૭ આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.
વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે
વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યુ કે આગામી તા.૧૭ અને ૧૮ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન પ્રધાનમંત્રી તા.૧૭ મી જુને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. તા.૧૮મી જૂન, શનિવારના રોજ સવારે ૯.૧૫ કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને ત્યાર બાદ ૧૧.૩૦ કલાકે વિરાસત વન(પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે.આ અવસરે પ્રધાનમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨:૩૦ કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-૨૦ વર્ષનો વિશ્વાસ-૨૦ વર્ષનો વિકાસનું આયોજન
વધુમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજન સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઇ ૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-૨૦ વર્ષનો વિશ્વાસ-૨૦ વર્ષનો વિકાસનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ જણાવી પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યઓ તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. બે કરોડના ગ્રાંટ ફાળવવાનો નિર્ણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૮૬ કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે.