People throng to buy sweets for Diwali in Ahmedabad
ઉત્સાહ /
મોંઘવારી વચ્ચે પણ અમદાવાદમાં જામ્યો દિવાળી માહોલ: મીઠાઈના ભાવમાં 10થી 15%નો વધારો છતાં દુકાનો પર જામી ભારે ભીડ
Team VTV02:45 PM, 21 Oct 22
| Updated: 02:47 PM, 21 Oct 22
દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. તહેવારોમાં લોકો ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાઈમાં 10થી 15 ટકાનો ભાવ વધારો થયો છે. છતાં મીઠાઈની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે.
અમદાવાદમાં દિવાળીના તહેવારની રંગત
બજારમાં જામ્યો દિવાળીનો માહોલ
દિવાળીની મીઠાઈ ખરીદવા લોકો જામી ભીડ
ભાવ વધારો છતાં મીઠાઈની ખરીદીમાં તેજી
અમદાવાદમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરની ઉત્સવ પ્રેમી જનતા આખરે દિવાળીના તહેવારને મનાવવા માટે ઉત્સાહભેર ખરીદી અર્થે ઊમટી રહી છે અને શહેરની બજારોમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. રતનપોળ, લાલ દરવાજા, ભદ્ર માર્કેટ સહિતની બજારમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યાં છે. કપડાથી લઈને ઘર સજાવટ માટે ઉપયોગી વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. જેમાંય ખાસ કરીને મહિલાઓ બહોળી સંખ્યામાં ખરીદી કરવા નીકળી રહી છે. બજારોમાં બે વર્ષ બાદ લોકો ઉત્સાહભેર ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.
મીઠાઈની દુકાનોમાં લોકોની ભારે ભીડ
આ વર્ષે મંદીની અસર પણ જોવા મળી છે પરંતુ લોકોમાં તહેવારોનો ઉત્સાહ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. લોકો દિવાળી માટે કપડા અને ઘર ડેકોરેશનના સામાનની ધૂમ ખરીદી કરી રહ્યા છે. તો મીઠાઈની દૂકાનો પર પણ લોકોની ભારે ભીડ જામી છે. દીવાળીમાં અને નવા વર્ષમાં ઘરે આવતા મહેમાનોને મો મીઠું કરવાની પરંપરા છે જેથી દિવાળી સમયે મીઠાઈની ધૂમ ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે મીઠાઇની ડિમાન્ડ વધી છે. કાજુકતરી, બરફી, અંજીરરોલ, મોહનથાળ સહિતની રંગબરંગી મીઠાઇઓ દુકાનો પર જોવા મળી રહી છે.
ભાવ વધારો છતાં મીઠાઈની ખરીદીમાં તેજી
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાઈમાં 10થી 15 ટકાનો ભાવ વધારો થયો છે. આ વર્ષે મીઠાઈના ભાવમાં વધારો થયો હોવા છતાં મીઠાઈની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. જેથી વેપારીઓને આ દિવાળી ફળશે તેવી આશા છે. કોર્પોરેટ કંપનીઓથી લઈને સામાન્ય ગ્રાહકો મીઠાઈ ખરીદી રહ્યાં છે. મોંઘવારીના માર વચ્ચે લોકો બજેટ અનુસાર ખરીદી કરી રહ્યાં છે. આ
ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સોએ વધાર્યા ટિકિટ ભાડા
દિવાળીના તહેવારોને લઇ ST અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બસોમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ જનારા મુસાફરોનો ધસારો વધી ગયો છે. મુસાફરોનો ધસારો વધતા ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે. ખાનગી બસોમાં પોરબંદર જવા માટે ટિકિટનો ભાવ રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા સુધી થઇ ગયો છે. ખાનગી બસોમાં સોમનાથ અને દ્વારકા જવા માટેનું ભાડું રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા કરી દેવાયું છે. જ્યારે ખાનગી બસોમાં જામનગર, જૂનાગઢનો પણ ભાવ રૂપિયા 1 હજાર સુધીનો થઇ ગયો છે. STની સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો હાઉસફુલ થઇ ગઇ છે. લોકો કલાકો સુધી ઊભા રહીને બસની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે મુસાફરોને માંડ-માંડ બસો મળી રહી છે.
જાણો ખાનગી ટ્રાવેલ્સોએ કેટલો કર્યો ભાવ વધારો?
પોરબંદર જવા માટે ટિકિટનો ભાવ રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા સુધી
સોમનાથ-દ્વારકા જવા માટેનું ભાડું રૂ. 1 હજારથી 1 હજાર 200 રૂપિયા સુધી
જામનગર અને જૂનાગઢનો ભાવ પણ રૂપિયા 1 હજાર સુધીનો થઇ ગયો