ગુજરાતમાં આવેલ મહેસાણાના વિસનગરમાં દર વર્ષે અનોખી રીતે ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ છેલ્લા 150 વર્ષોથી ચાલતી આવે છે.
ધૂળેટી પર્વે વિસનગરમાં રમાય છે ખાસડા યુદ્ધ
વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા
જેને ખાસડું વાગે એનું વર્ષ શુભ-ફળદાયી નીવડે એવી માન્યતા
હોળીના તહેવારને રંગોનો તહેવાર કહેવાય છે. ધૂળેટીના પર્વ પર લોકો એકબીજા પર અબીલ ગુલાલ ઉડાવીને આ રંગના પર્વની ઉજવણી કરે છે એવામાં આપણા ગુજરાતમાં આવેલ મહેસાણાના વિસનગરમાં દર વર્ષે અનોખી રીતે ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ છેલ્લા 150 વર્ષોથી આ અનોખી રીતે હોળી ઉજવવાની પરંપરા ચાલતી આવે છે.
ધુળેટી પર્વે મેહસાણાના વિસનગરમાં ખાસડા યુદ્ધ
મહેસાણાના વિસનગરમાં અનોખી રીતે ધૂળેટીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. વિસનગરના મંડી બજારમાં ખાસડા ધૂળેટી પ્રખ્યાત છે. જેમાં એક બીજાને ખાસડા મારીને ધુળેટીના તહેવારને ઉજવવામાં આવે છે. પરંપરા અનુસાર ખાસડા ધૂળેટીની ઉજવણી કરાઈ છે. બે જૂથમાં વહેંચાઈ અને લોકો આ અનોખી ધુળેટીનો આનંદ ઉઠાવે છે.
ખાસડાની જગ્યાએ હવે શાકભાજીએ લીધું સ્થાન
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે . જો કે,હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધી છે અને હવે લોકો રિંગણા બટાકા અને સડી ગયેલા ટામેટાએથી હોળી રમે છે. જણાવી દઈએ કે વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.
ખાસડું વાગે એનું વર્ષ શુભ-ફળદાયી નીવડે એવી માન્યતા
ધૂળેટીના દિવસે 150 વર્ષથી વિસનગરવાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે. જો કે,હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે. આ સાથે જ લોકોમાં માન્યતા છે કે,જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે.