mandla 150 people including children fall ill from food poisoning after eating pani puri
BIG NEWS /
પાણીપુરી ખાવાથી 150 લોકોની હાલત ખરાબ થઈ ગઈ, ડોક્ટર્સની ટીમ દોડતી થઈ
Team VTV08:01 AM, 29 May 22
| Updated: 08:02 AM, 29 May 22
મધ્ય પ્રદેશના મંડલા જિલ્લાના મોહગાંવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સિંગારપુરમાં ઝેરી પાણી પુરી ખાવાથી હાહાકાર મચી ગયો છે.
મધ્ય પ્રદેશમાંથી મોટી ઘટના સામે આવી
હાટ બજારમાં પાણી પુરી ખાવાથી 150 લોકોની હાલત ખરાબ થઈ
ડોક્ટરની ટીમ દોડતી થઈ
મધ્ય પ્રદેશના મંડલા જિલ્લાના મોહગાંવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સિંગારપુરમાં ઝેરી પાણી પુરી ખાવાથી હાહાકાર મચી ગયો છે. અહીં શનિવાર-રવિવારે રાતે ફુડ પોઈઝનિંગના કારણે લગભગ 150 લોકોના હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમાં બાળકો, વડીલો અને જવાન લોકોની સાથે સાથે કેટલીય મહિલાઓનો સમાવેશ થાય છે. લગભગ 70થી 80 દર્દીઓને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે જિલ્લાની હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. બાકીના 15થી 20 લોકોને મોહગાંવ સ્વાસ્થ્ય કેન્દ્ર્માં ભરતી કરવામાં આવ્યા છે. આ દર્દીમાં મોટી સંખ્યામાં બાળકો છે.
ડોક્ટરની ટીમ દોડતી થઈ
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જેવું દર્દીઓની હાલત વિશે જાણવા મળ્યું કે, પ્રશાસનિક અધિકારી તુરંત હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આજૂબાજૂના સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી ડોક્ટરની ટીમ પણ જિલ્લા હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. જ્યાં દર્દીઓની સારવાર શરૂ કરી દીધી હતી. મંડલા કલેક્ટર, કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ અને સ્થાનિક ધારાસભ્યએ દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. અહીં આવીને તેમણે સ્થિતિ વિશે જાણકારી એકઠી કરી હતી.
હાટ બજારમાં પાણી પુરી ખાધી હતી
કહેવાય છે કે, જિલ્લા કચેરીથી લગભગ 40 કિમી દૂર સિંગારપુરમાં શનિવાર હાટ બજારમાં ભરાય છે. આજૂબાજૂના ગામના લોકો અહીં જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં અહીં પહોંચતા હોય છે. આ દરમિયાન લોકોએ એક દુકાન પરથી પાણી પુરી ખાધી હતી. તેના કારણે મોડી રાતે જેણે પણ પાણી પુરી ખાધી તેમને ઉલ્ટીઓ થવા લાગી હતી. આ તમામને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
ગામ લોકોએ કહી આ વાત
આ મુદ્દે ગ્રામજનોએ વહીવટી અધિકારીઓને જણાવ્યું હતું કે, સિંગરપુર બજારમાં પાણી પુરી ખાધી હતી. જે બાદ તેની તબિયત બગડવા લાગી હતી. લોકોની બગડતી તબિયત જોઈને ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી હતી. જે બાદ વહીવટીતંત્ર સક્રિય બન્યું હતું અને દર્દીઓને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનોની બગડતી હાલત માટે તબીબોએ ફૂડ પોઈઝનિંગને જવાબદાર ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે મોટાભાગના લોકોને હળવા લક્ષણો છે, જ્યારે એક કે બે બાળકોમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. દરેકની સારવાર કરવામાં આવી રહી છે.