બ્રેકિંગ ન્યુઝ
VTV / know how rupees coins distributed and printing cost of indian currency
Dhruv
Last Updated: 04:19 PM, 31 March 2022
ADVERTISEMENT
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikant Das) નોટના છાપકામમાં આત્મનિર્ભર બનવાની વાત કરી છે. તેઓએ બે દિવસ પહેલાં મૈસૂરમાં આરબીઆઈની માલિકીની કંપની વર્ણિકા (Varnika) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કંપની નોટોના પ્રિન્ટિંગમાં વપરાતી શાહી બનાવશે. આ કંપનીમાં દર વર્ષે 1500 મેટ્રિક ટન શાહી બનાવવામાં આવશે. જેનાથી નોટોના પ્રિન્ટિંગનો ખર્ચ ઓછો થવાની આશા છે. આરબીઆઈના જણાવ્યાં અનુસાર, દર વર્ષે નોટ છાપવા પાછળ અંદાજે સાડા 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
ADVERTISEMENT
નોટો ક્યાં છપાય છે? કોણ છાપે છે?
ભારતમાં 4 જગ્યાએ નોટોનું પ્રિન્ટીંગ થાય છે. નોટો છાપવાનું કામ બે કંપનીઓ પાસે છે. જેમાંથી એક કંપની કેન્દ્ર સરકાર અંતર્ગત અને એક RBI હેઠળ છે. આ કંપનીઓનાં દેશમાં 4 પ્રેસ છે, જ્યાં આ નોટોનું છાપકામ થાય છે.
આરબીઆઈના જણાવ્યાં અનુસાર, જે કંપની કેન્દ્ર અંતર્ગત આવેલી છે તેનું નામ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL) છે અને આરબીઆઈ હેઠળની કંપનીનું નામ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ (BRBNMPL) છે.
ભારતમાં, મધ્યપ્રદેશના દેવાસ, મહારાષ્ટ્રના નાસિક, તમિલનાડુના મૈસૂર અને પશ્ચિમ બંગાળના સબલોનીમાં નોટો છાપવા માટેનું એક પ્રેસ છે. આ ચારેય જગ્યાએ નોટો છપાય છે અને અહીંથી તે આખાય દેશમાં જાય છે.
નોટોની જેમ સિક્કા પણ માત્ર 4 જગ્યાએ જ બને છે. સિક્કા બનાવવાનું કામ SPMCIL પાસે છે. આ સિક્કા મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને નોઈડામાં બને છે.
અત્યારે દેશમાં 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો છાપવામાં આવે છે. BRBNMPL કરતાં SPMCIL ને એક નોટ છાપવામાં વધારે ખર્ચ થાય છે.
જુલાઈ 2019 માં રાજ્યસભામાં સરકારે નોટ છાપવાના ખર્ચ વિશેની જાણકારી આપી હતી. ત્યારે સરકારે કહ્યું હતું કે, 2018-19માં 10 રૂપિયાની એક નોટ છાપવા માટે BRBNMPL એ 0.75 રૂપિયા ખર્ચવા પડ્યા હતાં. સૌથી વધારે ખર્ચ 2000ની નોટ છાપવામાં થયો હતો. 2000ની એક નોટ 3.53 રૂપિયામાં છાપવામાં આવી હતી.
જાણો એક નોટ છાપવામાં થાય છે કેટલો ખર્ચ?
નોટ | SPMCIL | BRBNMPL |
10 | 0.83 રૂપિયા | 0.75 રૂપિયા |
20 | 1.22 રૂપિયા | ------------- |
50 | 1.43 રૂપિયા | 0.82 રૂપિયા |
100 | 1.78 રૂપિયા | 1.34 રૂપિયા |
200 | 3.12 રૂપિયા | 2.15 રૂપિયા |
500 | 3.37 રૂપિયા | 2.13 રૂપિયા |
2000 | ------------- | 3.53 રૂપિયા |
જાણો આટલો બધો ખર્ચ શા માટે?
નોટોનું પ્રિન્ટિંગ કોસ્ટ વધી જાય છે કારણ કે નોટના પ્રિન્ટિંગમાં વપરાતા કાગળ અને શાહી બહારથી ખરીદવામાં આવે છે. નોટમાં જે કાગળ વપરાય છે તે કપાસનો હોય છે. તેને ઘણાં બધા દેશોમાંથી ખરીદવામાં આવે છે. તો બીજી બાજુ જે ઇંક (શાહી) નો ઉપયોગ કરવામાં આવે છે તે સ્વિટ્ઝર્લેન્ડની કંપની SCIPA પાસેથી ખરીદવામાં આવે છે.
એક આરટીઆઈના જવાબમાં એવું જાણવા મળ્યું હતું કે, 2017-18માં સરકારે નોટ છાપવા માટે રૂ. 493 કરોડના કાગળ અને રૂ. 143 કરોડની શાહી બહારથી ખરીદી હતી. એટલે કે તે વર્ષે નોટો છાપવા માટે 636 કરોડ રૂપિયાના કાગળ અને શાહી બહારથી આવી હતી. અગાઉ 2016-17માં 366 કરોડ રૂપિયાનાં કાગળ અને 218 કરોડ રૂપિયાની શાહી ખરીદવામાં આવી હતી.
ભારતમાં વપરાતી નોટોમાં વપરાતા કાગળ અને શાહી ખૂબ જ ખાસ હોય છે. આ કાગળો હાઇ સિક્યોરિટીવાળાં હોય છે કે જેની નકલ કરવી લગભગ અશક્ય છે. એ જ રીતે નોટમાં ઇંટૈગલિયો, ફ્લુરોસેંસ અને ઓપ્ટિકલ વેરિએબલ શાહીનો ઉપયોગ થાય છે. આ શાહીની રચના દર વખતે બદલવામાં આવે છે, જેથી કોઈ દેશ તેની નકલ ન કરી શકે.
પ્રિન્ટિંગથી લઇને આખરે તમારા સુધી કેવી રીતે પૈસા પહોંચે છે?
નોટ છાપ્યા બાદ સામાન્ય માણસના હાથમાં પહોંચવાની એક આખી પ્રક્રિયા હોય છે. આરબીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, દેશભરમાં 19 ઓફિસ એવી છે કે જ્યાં પ્રિન્ટિંગ બાદ નોટો મોકલવામાં આવે છે.
આ ઓફિસો અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં આવેલી છે.
નોટ છાપ્યા બાદ પ્રેસમાંથી સીધી જ નોટો આ 19 ઓફિસમાં મોકલવામાં આવે છે. અહીંથી આ નોટો સ્ટોરમાં જાય છે. આ સ્ટોરને કરન્સી ચેસ્ટ (Currency Chest) કહેવામાં આવે છે. આ કરન્સી ચેસ્ટ બેંકોની હોય છે. અહીંથી આ નોટો બેંકમાં અને પછી તમારા હાથમાં આવે છે.
આવી જ પ્રક્રિયા સિક્કાઓ માટે પણ થાય છે. આ સિક્કા હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હી સ્થિત ઓફિસમાં જાય છે. અહીંથી આ સિક્કા આરબીઆઈની અન્ય ઓફિસોમાં જાય છે જે કરન્સી ચેસ્ટ અને સ્મોલ કોઇન ડિપો હોય છે. સ્મોલ કોઈન ડેપોમાંથી સિક્કાઓ બેંકમાં અને પછી બેંકમાંથી તે તમારા સુધી પહોંચે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.