જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે દ્વારકા અને શામળાજી ખાતે ઉમટી પડ્યુ ભક્તોનું ઘોડાપૂર, ભક્તો ભગવાન દ્વારકાધીશ અને ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા.
દ્વારકા અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર
મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા
ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવાયું
આજે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભગવાન દ્વારકાધીશને આમરસ અને અઘોર કુંડના પવિત્ર પાણીમાં ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું હતું. તો યાત્રાધામ શામળાજી ખાતે પણ જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઊમટ્યા હતા.
ભક્તોએ સ્નાન દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી
દ્વારકામાં આ જ્યેષ્ઠાભિષેક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભગવાન દ્વારકાધીશજીને પવિત્ર પાણી દ્વારા ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના ખુલ્લા પડદે સ્નાન દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ ઉત્સવ અંતર્ગત ભક્તોને સાંજે 5 વાગ્યે ઉત્થાન દર્શનો લાભ મળી શકશે. જે બાદ સાંજે 7 વાગ્યે જળયાત્રા ઉજવાશે. જેમાં ખાસ નાવ મનોરથના દર્શન થશે. ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેકની ઉજવણી કરવામાં આવે છે.
શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર
આજે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા. પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું. ખાસ કરીને પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમાના પવિત્ર અવસરે ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા
વર્ષમાં એક જ વખત ઠાકોરજીને કરાવાય છે ઠંડા પાણીથી સ્નાન
ખાસ કરીને આજે જેઠ સુદ પૂર્ણિમાએ તાહકોરજીને જેષ્ટ સ્નાનનું વિશેષ મહત્વ હોય છે જેમાં વર્ષમાં એકજ વખત ઠાકોરજીને ઠંડા પાણીથી સ્નાન કરાવાય છે. ત્યારે કેસર અને મોગરાના ફૂલ નાખી વિશેષ પ્રકારે તૈયાર કરાવાયેલા ઠંડા જળથી શામળીયાને આજે જેષ્ઠ સ્નાન કરાવાયું હતું અને ત્યાર બાદ સફેદ કોટનના વસ્ત્રો અને આભૂષણોથી શણગાર કરાયા હતા.
બીજી તરફ આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો, તેવામાં વરસાદી વિઘ્ન વચ્ચે પણ ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.