Junior Clerk Exam postponed free st bus for students
જુનિયર ક્લાર્ક પેપર લીક /
ગુજરાતમાં ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો, ST બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે ઉમેદવારો
Team VTV08:51 AM, 29 Jan 23
| Updated: 08:54 AM, 29 Jan 23
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં વિદ્યાર્થીઓ ઘરે જવા માટે મફતમાં મુસાફરી કરી શકશે.
ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું
સાડા નવ લાખ ઉમેદવારો રઝળી પડ્યા
ST બસમાં મફત મુસાફરી કરી શકાશે
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થઈ જવાના કારણે આજે સાડા નવ લાખથી પણ વધારે ઉમેદવારો રઝળી પડ્યા હતા. અમદાવાદ, ભાવનગર ,રાજકોટ સહિતના જિલ્લાઓમાં દૂર દૂરથી ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. ગરીબ વિદ્યાર્થીઓ પણ 1000-1500 રૂપિયાનો ખર્ચ કરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા અને છેલ્લી ઘડીએ પરીક્ષા મોકૂફ કરવાની જાહેરાત કરવામાં આવી.
ST બસમાં થશે વિનામૂલ્યે મુસાફરી
વિદ્યાર્થીઓના આક્રોશને જોતાં ગુજરાતભરમાં તમામ ST બસમાં ઉમેદવારોને મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. જોકે પેપર રદ્દ થાય તે પછી જ કેમ આવી જાહેરાત કરવામાં આવે છે તે પણ એક સવાલ છે, સરકાર સામાન્યતઃ પણ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને આવી સુવિધા કેમ નથી
મહીસાગરમાં ગાડીઓ રોકીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો
જોકે સરકારની વાતોથી વિદ્યાર્થીઓ હાલ સંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું નથી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક બસ સ્ટેન્ડ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવાની ઘટનાઑ પણ સામે આવી રહી છે. ST બસ સ્ટેન્ડ પર જ કેટલાક ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા હોય તેવી ઘટના પણ સામે આવી છે.
ગોધરામાં ચક્કાજામ
પાટણ બસ સ્ટેન્ડ પર ભયંકર આક્રોશ
પરીક્ષાર્થીઓમાં રોષ
ભાવનગર, પાલીતાણા સહિતના જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા અમદાવાદ પહોંચેલા ઉમેદવારોએ VTV સાથેની વાતચીતમાં સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ઉમેદવારોએ કહ્યું, 'સાહેબ, અમે કાલ સાંજના ઘરેથી નીકળ્યા છીએ. રાત્રે બે વાગ્યે અમે અહીં પહોંચી ગયા હતા. અમે આખી રાતના ઠંડીમાં ઉજાગરા કરીને પેપર આપવા માટે આવ્યા છીએ. અહીં પહોંચ્યા બાદ વહેલી સવારે અમને સમાચાર મળ્યા કે પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે.'
અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છેઃ પરીક્ષાર્થીઓ
VTV સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા ઉમેદવારો ભાવુક થઈ ગયા. ઉમેદવારોએ કહ્યું કે, 'અમે પરીક્ષા માટે બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમે છેક પાલીતાણા અને ભાવનગરના ગામડામાંથી અહીં પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે. સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ.'