Team VTV11:32 AM, 12 Oct 22
| Updated: 11:34 AM, 12 Oct 22
જામનગર શહેરના વાઘેરવાડા વિસ્તારમાં ટોળાએ બાળક ચોરની આશંકાએ મહિલાઓને માર મારી લોહીલુહાણ કરી નાખી હતી. જોકે, પોલીસ તપાસમાં મહિલાઓ નિર્દોષ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસની તપાસમાં આ મહિલાઓ નિર્દોષ હોવાનું આવ્યું સામે
ગુજરાતમાં બાળકો ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ વાયરલ થઇ રહ્યા છે. ઘણા મેસેજ સાથે વીડિયો પણ જોવા મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે. આ વાયરલ મેસેજની લોકોના માનસપટલ ઉપર એટલી ગંભીર અસર પહોંચી છે કે પણ માત્ર શંકા અને વહેમનાં આધારે લોકો હિંસક થતા જોવા મળી રહ્યા છે. લોકો દ્વારા નજીવી શંકામાં પણ નિર્દોષોને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. લોકો એવા શંકાસ્પદ લોકોને પોલીસને સોંપવા કરતા પોતે કાયદો હાથમાં લઈ હિંસક બની રહ્યા છે. જે બાબત દુખદ છે. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાં બની છે.
બાળકો ઉપાડી જવાની આશંકાએ ટોળાએ ચાર મહિલાઓને માર્યો માર
શહેરના વાઘેરવાડા વિસ્તારમાં આવેલા મોટા આશાપુરા માતાજીના મંદિર નજીક મંગળવારે અંદાજીત 100-150 લોકોના ટોળાએ ચાર મહિલાઓને બાળકો ચોરવા આવી હોવાની શંકાના આધારે માર માર્યો હતો. જે બાદ કોઈ દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ટોળાએ મહિલાઓને પોલીસને સોંપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે મહિલાઓની તપાસ કરતા નિર્દોષ હોવાનું આવ્યું સામે
પોલીસે આ મામલે તપાસ કરતા આ ચારેય મહિલાઓ નિર્દોષ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા આ ચારેય મહિલાઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પોલીસ નિર્દોષ પર હુમલો કરી કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.
અમદાવાદ અને ભરૂચમાં પણ નિર્દોષોને માર્યો હતો માર
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદમાંથી પણ આવો બનાવ સામે આવ્યો હતો. દાણીલીમડામાં બાળક ચોરની આશંકાએ લોકોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. જેમાં શંકાસ્પદ વ્યક્તિને માર મારાતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. સ્થાનિક લોકોએ યુવકને માર મારીને પોલીસને જાણ કરી હતી. જેને લઇને દાણીલીમડા પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી હતી. તો ભરૂચમાં પણ પોલીસે બાળકો ઉઠાવી જવાની શંકાએ નિર્દોષ મહિલાઓને માર મારનાર 29 લોકો સામે ગુનો દાખલ કર્યો હતા. પોલીસ દ્વારા બે બનાવમાં 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.