કર્ણાટક અકસ્માત /
ડ્રાઈવરે એક ભૂલ કરી ને કારે SUVને જોરદાર ટક્કર મારી, પળભરમાં 13 જીંદગીઓ હોમાઈ ગઈ
Team VTV04:11 PM, 06 Mar 20
| Updated: 04:47 PM, 06 Mar 20
કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કુલ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટક પોલીસના જણાવ્યા અનુસાર, કાર અને એસયુવી વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ મહિલાઓ અને બે બાળકો સહિત 13 લોકોનાં મોત થયાં છે.
કર્ણાટકમાં એસયુવી-કાર વચ્ચે ટક્કરઃ પાંચ મહિલા, બે બાળકો સહિત 13ના મોત
તુમકુરુ જિલ્લામાં કુનિગલ નજીક ગમખ્વાર અકસ્માત
અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ 12 લોકોનાં મોત નીપજ્યાં હતા
આજે પરોઢિયે તુમકુરુ જિલ્લામાં આવેલા કુનિગલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. તુમકુરુ જિલ્લા પોલીસને અકસ્માત અંગે બાતમી મળી હતી. ઘટનાસ્થળ પર હાજર એક પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, આ અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક બાળકનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ લોકોની હાલત હાલ અતિ ગંભીર છે. તુમકુરુના એસપી વામસી કૃષ્ણાએ આ અંગે જણાવ્યું હતું કે, અકસ્માત દરમિયાન પૂરઝડપે ધસી આવતી એક કાર સૌ પ્રથમ ડિવાઇડરને ટકરાઈ હતી. ત્યારબાદ તે કાર એક એસયુવી કાર સાથે ટકરાઈ હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોએ મહામહેનતે ડૂચો વળી ગયેલા વાહનોમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાંથી 10 તામિલનાડુના અને ત્રણ બેંગલુરુના રહેવાસી હતા. તમામ લોકો કર્ણાટકના એક ધર્મસ્થળની મુલાકાતે ગયા હોવાનું બહાર આવ્યું છે.