અગાઉ જ્યારે પણ યુવરાજસિંહે જાહેર ભરતીની પરીક્ષા વિશે સવાલો ઉઠાવ્યા ત્યારે સરકારે કાર્યવાહી કરી છે. એવા કેટલાક કિસ્સાઓ પણ છે જેમાં એક માત્ર યુવરાજસિંહે સરકારને ગેરરીતિ અંગે આપેલી માહિતી પર સરકારે પગલા લીધા છે, અને ફરિયાદો નોંધીને દોષીઓની ધરપકડ પણ કરી છે.
સરકારની મનશા યુવરાજસિંહને પરેશાન કરવાની નહી પણ, કાયદાના શાસનને લાગૂ કરવાની લાગી રહી છે. વિદ્યાર્થીઓ અને ગુજરાતની જાહેર ભરતીના હિતમાં સરકારે યુવરાજસિંહના તમામ આરોપોને ગંભીરતાથી લીધા હતા.
આમ થઈ યુવરાજસિંહની ધરપકડ
ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની પહેલા તો અટકાયત જ થઈ હતી. વિદ્યાસહાયકોની ભરતીની સંખ્યા વધારવા માટે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના મામલે ગાંધીનગરમાં પોલીસ સ્થિતિ પણ કફોડી બની રહી હતી. તેવા સમયે યુવરાજસિંહની અટકાયત પછી ધરપકડ થઈ હતી.
યુવરાજસિંહ પર પોલીસને કચડવાના પ્રયાસનો ગુનો
યુવરાજસિંહ અને તેમના બે સાથીદારોને જ્યારે ધરણા સ્થળથી ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ લવાયા ત્યારબાદ સાંજના સમયે તેમની ધરપકડના સમાચાર વહેતા થયા. બે દિવસ પછી પોલીસે આ મામલે એક વીડિયો જાહેર કર્યો. જેમાં યુવરાજસિંહની ગાડીના બોનેટ પર એક પોલીસ જવાન નીચે ઉતરવા સંઘર્ષ કરતો જોવા મળ્યો. ચાલુ ગાડીએ જે પોલીસ જવાન બોનેટ પર હતા એ ગાડી યુવરાજસિંહ ચલાવી રહ્યાં હોવાની માહિતી છે.
પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપનો પણ છે ગુનો
યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવાનો અને પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો ગુનો પણ નોંધાયો છે. હાલ યુવરાજસિંહ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. યુવરાજસિંહને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 332 અને કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.