ગુજરાતના એક માત્ર એવા પોલીસ કોન્સ્ટેબલ જેમના નામની આગળ લખવામાં આવે છે ડૉક્ટર, જાણો કેમ...

By : hiren joshi 08:43 PM, 06 December 2018 | Updated : 08:43 PM, 06 December 2018
રાજકોટઃ ડૉક્ટર અને વળી પોલીસ? તમને થોડી નવાઈ લાગશે પરંતુ એ હકીકત છે કે રાજકોટ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને તમારે પણ ડૉક્ટર તરીકે જ સંબોધવા પડશે. જો કે એ ડૉક્ટરનું કામ દર્દીના દર્દ મટાડવાનુ નથી. પરંતુ અપરાધીનો નશો ઉતારવાનું છે. તો આ ડૉક્ટર નામની બલા શુ છે? ડૉક્ટર એટલા માટે કે જીવન પર લાગેલા ઘાથી ઘાયલ થયેલા અને સાહિત્યથી ખુદની જ રોજ સારવાર કરતા કરતા ખુદ ડૉક્ટર બની ગયા છે.

કવિ હૃદયી કોન્સ્ટેબલ....
ગુજરાતના એક માત્ર એવા પોલીસ કોન્સ્ટેબલ કે જેમના નામની આગળ લખવામાં આવે છે ડૉક્ટર. રાજકોટ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે અમૃત ઘાયલની ગઝલો પર પીએચડી કર્યું છે. 

કોણ છે આ કોન્સ્ટેબલ અને શું છે તેના જીવનની વાસ્તવિકતા...
આમ તો પોલીસનું નામ સાંભળતા જ લોકોને મનમાં મારામારીની ઘટનાઓ યાદ આવી જતી હોય છે. લોકો ડરની લાગણી અનુભવતા હોય છે. જો કે રાજકોટમાં એક એવા પોલીસ કર્મી છે જે તેમના ડરના કારણે નહીં પરંતુ તેમના કવિ હૃદયના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તે એવી ગઝલો લખે છે કે વાંચનારા અને સંભળનારા સૌ કોઈ બોલી ઉઠે છે "વ્હા કવિરાજ વ્હા". કવિ હૃદય ધરાવતા અને રાજકોટ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશ સોલંકીની વિશેષતા એ છે કે તે કોન્સ્ટેબલ હોવા છતાં તેમના નામની આગળ લાગે છે ડોકટર. 

જો કે આ ડોક્ટર લાગવાનું કારણ એ છે કે આ કોન્સ્ટેબલે સાહિત્ય ક્ષેત્રે મેળવેલી Ph.Dની ડિગ્રી. અમૃત ઘાયલની ગઝલનો અભ્યાસ કરી તેના ઉપર કરેલા સંશોધનને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમને ડોક્ટરની ઉપાધી આપવામાં આવી છે. સતત સાત વર્ષની મહેનત બાદ તેમણે અમૃત ઘાયલની ગઝલોનું અધ્યયન કરી Ph.Dની ડિગ્રી મેળવી છે. કોન્સ્ટેબલ ડૉક્ટર નરેશ સોલંકીએ આજ સુધીમાં અનેક ગઝલો લખી છે. જેમાંથી 150થી વધુ ગઝલો વિવિધ સામહિકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રથમ પત્નીનું અકાળે મૃત્યુ...
કોન્સ્ટેબલ ડો.નરેશની ઈચ્છા છે કે તેઓને જે ક્ષેત્રમાં PH.Dની ડીગ્રી મેળવી છે તેમાં આગળ વધવું છે. તેમનું સપનું અધ્યાપક બનવાનું છે. ડો. નરેશ સોલંકીના લગ્ન થયા બાદ તેમની પ્રથમ પત્ની અકાળે મૃત્યુ પામી હતી. બાદમાં પરિવારની જવાબદારીઓ માટે તેમની પત્નીની સગી બહેન જોડે જ તેમને બીજા લગ્ન કરેલ છે. હાલ પત્ની ગીતા સોલંકીનું પણ એક સ્વપ્ન છે કે તેની મોટી બહેન તેના પતિને ગઝલ ક્ષેત્રમાં પૂરતો સાથ આપતી પરંતુ હાલ તે હયાત ન હોઈ તેમની ઈચ્છા હતી કે નરેશ એક અધ્યાપક બને. પત્ની ગીતા એ જણાવ્યું હતું કે મને ગર્વ છે કે મારા પતિએ અમૃત ઘાયલની ગઝલ પર PH.D કર્યું છે. મારી પણ ઈચ્છા છે કે તે એક અધ્યાપક બને.

ડો. નરેશ સોલંકીએ મેળવેલી આ સિદ્ધિને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ પણ બિરદાવી હતી. તેમને તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી. માત્ર ખાતરી જ નહીં પરંતુ તેઓએ નરેશ સોલંકીને જણાવ્યું હતું કે તેઓ તમામ ગઝલો અને કવિતાઓ તેમને આપે તે ખુદ પોલીસના નામથી એક બુક પ્રકાશિત કરશે. ભવિષ્યના અભ્યાસમાં પણ તમામ પ્રકારની તેમને મદદ કરશે.

ઉચ્ચ દરજ્જાથી વંચીત રહી જાય તો દોષ કોને દેવો ?
આમ તો આ પોલીસ કોન્સ્ટેબલે મેળવેલી સફળતા કાબિલે તારીફ છે. એક કોન્સ્ટેબલને મળેલું ડોક્ટરનું બિરુદ તેમને અને તેમના પરિવારને અનોખું ગૌરવ અપાવે છે. જો કે એક સવાલએ પણ ઉઠે છે કે Ph.Dની ડીગ્રી મેળવ્યા પછી પણ અધ્યાપક કે અન્ય કોઈ ઉચ્ચ દરજ્જાથી વંચીત રહી જાય તો દોષ કોને દેવો ? જિલ્લા પોલીસ વડાએ તો મદદની બાંહેધરી આપી જ છે. સાથોસાથ અધ્યાપક ક્ષેત્રે પણ તેઓને જવું છે ત્યાં પણ બનતી તમામ મદદ કરવા તૈયારી દર્શાવી છે તે એક પોલીસ અધિકારી તરીકે ખૂબ જ મોટી અને ગૌરવપૂર્ણ વાત કહેવાય.Recent Story

Popular Story